પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો
જામનગર શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં થયેલી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનાનો જામનગર પોલીસે ભેદ ઉકેલી મહિલા આરોપી ને ચોરીના સમગ્ર મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.
જામનગર માં પોલીસ સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ આર.એલ. કંડોરિયા ની દેખરેખમાં સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ ના આધારે તપાસ હાથ ધરી હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ સવારે 10:30 થી 11:00 દરમિયાન નીલકંઠ પાર્ક વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1,97,600ની ચોરી થઈ હતી. આ અંગે ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયન બાતમી મળી હતી કે ચોરી કરનાર મહિલા તિરુપતી સોસાયટી તરફથી બેડી બંદર રિંગ રોડ તરફ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા જઈ રહી છે. બાતમીના આધારે વોચ ગોઠવી મહિલાને ઝડપી લેવામાં આવી હતી.
પકડાયેલી આરોપીની ઓળખ પૂજાબેન દીપકભાઈ ગોસ્વામી, રહે. તિરુપતી પાર્ક, દ્વારકાધીશ સોસાયટી-3, જામનગર તરીકે થઈ છે.
આરોપી પાસેથી એક જોડી સોનાની બુટી, બે સોનાની વીંટી, ચાર સોનાના પેન્ડલ, એક સોનાની બાલી, ચાંદીનો સિક્કો, બે જોડી ચાંદીની કડલી, બે ચાંદીની રાખડી, એક જોડી ચાંદીની પાયલ, એક ચાંદીનું બ્રેસલેટ, એક જોડી ચાંદીના સાંકળા, કાળા મોતીનું નજરિયું તેમજ રોકડા રૂ. 10,000 મળી કુલ રૂ. 1,97,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
