ધુંવાવ, અલીયાબાડા, નાધેડી, લાખાબાવડ, દરેડ, મસીતીયા, કનસુમરા, દડીયા ગામને બસ સુવિધા સાથે જોડાશે
જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂ કરાયેલી એરક્ધડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ 25 ઈ-બસો ફાળવવામાં આવતાં હવે શહેરમાં કુલ 50 એરક્ધડીશન્ડ ઈ-સીટી બસો ઉપલબ્ધ બની છે. આ નવી બસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.
ગત 16 જૂનથી 25 ઈ-બસો પાંચ રૂટ પર દોડી રહી છે. હવે વધુ 25 બસો મળતાં શહેરમાં નવા સાત રૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે. નવા રૂટ દ્વારા શહેરથી 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલા ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે.
મહાનગરપાલિકાએ શહેરમાં નિર્ધારિત 222 બસ સ્ટોપ પૈકી 110 સ્થળોએ રૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જ્યારે બાકીના સ્થળોએ પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે.
નવી બસો તાજેતરમાં ઈ-બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે. ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂટની સત્તાવાર જાહેરાત પણ કરાશે.
હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂટ પર દર 30 મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા ચાલી રહી છે. નવા રૂટ શરૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરક્ધડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે.
જામનગરમાં ઈ-સિટી બસના 12 નવા રૂટ જાહેર કરાયા
જામનગર શહેરમાં જાહેર પરિવહનને વધુ સુવિધાજનક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ઈ-સિટી બસ સેવાના 12 નવા રૂટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રૂટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના ગામોને બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. જાહેર કરાયેલા રૂટ મુજબ બસ સેવા સવારે 6:30 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જાહેર કરાયેલા નવા રૂટમાં સાત રસ્તા સર્કલ થી આમરા ગામ, રામેશ્વર ચોક થી મસીતીયા ગામ, સાત રસ્તા થી ચેલા ગામ, સાત રસ્તા સર્કલ થી અલીયા ગામ, ઢીંચડા થી ટાઉનહોલ, પોલિટેકનિક કોલેજ થી રણજીતસાગર ડેમ, હાપા રેલવે સ્ટેશન થી ગાંધીનગર રેલવે સ્ટેશન, ગોકુલનગર થી ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તાથી સાત રસ્તા (સર્ક્યુલર રૂટ), દરબારગઢ થી દરેડ, આઈ.એન.એસ. વાલસુરા થી દરબારગઢ તથા ખીમલીયા ગામ થી દરબારગઢ સુધી ના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા રૂટ અમલમાં આવતાં શહેરના મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને વધુ સરળ, સુલભ અને નિયમિત જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સિટી બસની તમામ રૂટની માહિતી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ
સિટી બસની તમામ રૂટની માહિતી હવે મુસાફરોને મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બસ પાસ ની અરજી અને રિન્યૂઅલ, ઓનલાઈન ટિકિટ તથા પાસ બુકિંગ, નજીકના બસ સ્ટોપની માહિતી, લાઈવ સિટી બસ ટ્રેકિંગ, બસના આગમનના અંદાજિત સમયની જાણકારી તેમજ અન્ય અનેક મુસાફરલક્ષી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. આ ડિજિટલ સેવા મુસાફરોની મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવે છે.
