કાલાવડના સતિયા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી
જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડ તાલુકાના સતિયા ગામના એક ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, સતિયા ગામના ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉ.વ. 65) એ પોતાની ખેતીનો પાક નિષ્ફળ જતાં ચિંતામાં આવી તા. 10 જુલાઈ ના રોજ પોતાની વાડી માં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે જામનગર ની જી.જી. હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ગાંગજીભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. કે. છૈયાએ અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક ખેડૂત ધનજીભાઈ વર્ષોથી ખેતીવાડી સંભાળતા હતા, અને તેમના બે પુત્ર પણ ખેતી કામમાં મદદ કરે છે. જેઓની જમીનમાં તાજેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાયો હોવાથી તેઓનો પાક નિષ્ફળ જતાં ગાંગજીભાઈએ આખરે દેવાના ડુંગરમાં ફસાઈ જવાના બદલે મોતને મીઠું કરી લીધુ હતું,
ચાલુ ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચિંતાને પગલે જિલ્લામાં સામે આવેલા આ બનાવે ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી છે. જોકે મોતના ચોક્કસ કારણો અંગે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
