મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા : પોલીસ તપાસ શરૂ
જામનગર તાલુકાના ધુતારપર ગામે મોડી રાત્રે મકાનમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી પતરાની પેટીમાં રાખેલી રૂ.1.65 લાખની રોકડની ચોરી કરી નાસી છૂટતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ધુતારપર ગામે રહેતા 60 વર્ષીય મનજીભાઈ જગશીભાઈ વાઘેલા માલ-ઢોરની લે-વેચનો વ્યવસાય કરે છે. તા.31 ઓગસ્ટની રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં અજાણ્યો ચોર ઈસમ તેમના રહેણાંક મકાનના રૂમમાં ગેરકાયદે પ્રવેશ્યો હતો. ચોરે રૂમમાં રાખેલી પતરાની પેટી, જેમાં ફરિયાદીએ આશરે રૂ.1,65,000ની રોકડ રકમ રાખી હતી, તે ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પંચ-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બનાવની તપાસ પો.સબ.ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
