25 દર્દીને મોતિયાનું નિદાન, 113માં રિફ્રેશન એરરનું નિદાન થયું
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 4 ના ભાજપ ના કોર્પોરેટરો નિશાબેન અસ્વાર, આલાભાઈ રબારી, સોનલબા રાણા તથા જીતેશભાઈ શિંગાળા ના પ્રયાસો થી નવાગામ ઘેડ ખાતે તાજેતર માં દ્રષ્ટિ તપાસ કેમ્પ યોજાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ‘પ્રોજેક્ટ દૃષ્ટિ’ અંતર્ગત આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે કુલ 291 નાગરિકોની આંખોની તપાસ કરી હતી.
કેમ્પ દરમિયાન 113 વ્યક્તિઓમાં રિફ્રેક્શન એરર, 78 માં ક્ધજક્ટિવાઇટિસ, 19 માં પ્ટેરિજિયમ, 4 માં ગ્લુકોમા, 5 માં મેચ્યોર કેટારેક્ટ, 13 માં ઇમેચ્યોર કેટારેક્ટ તથા 3 વ્યક્તિઓમાં પીસીઓ નું નિદાન થયું હતું. અન્ય વિવિધ આંખની તકલીફ ધરાવતા 56 નાગરિકોને પણ જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે, મોતિયાના કેસનું નિદાન થયેલા જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન સહિતની આગળની સારવારની સુવિધા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ તબક્કે જરૂરિયાતમંદોને ચશ્મા તથા આંખોની વધુ સારવાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંખ તપાસ ઉપરાંત કેમ્પમાં નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ સ્વનિધિ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ, આયુષ્માન ભારત કાર્ડ, આધાર કાર્ડ સંબંધિત કામગીરી અને મહિલા સશક્તિકરણ સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે, વોર્ડ નં. 4 ના કોર્પોરેટર નિશાબેન અસ્વારે જણાવ્યું હતું કે, વોર્ડના નાગરિકો ને આરોગ્ય તથા જનસેવા સંબંધિત સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે. ‘પ્રોજેક્ટ દ્રષ્ટિ’ હેઠળ યોજાયેલા આ કેમ્પથી જરૂરિયાતમંદ નાગરિકોને સમયસર આંખોની તપાસ, નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન મળ્યું છે. મોતિયાના કેસમાં જરૂરિયાત મુજબ ઓપરેશનની સુવિધા પણ રિલાયન્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કેમ્પમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી સહિતના આગેવાનો, વરિષ્ઠ કાર્યકરો અને વોર્ડના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જયારે, કેમ્પને સફળ બનાવવા કોર્પોરેટરો ઉપરાંત પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઢેર, વોર્ડના હોદ્દેદારો, કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો અને તબીબી ટીમે સહયોગ આપ્યો હતો.
