અધિકારી સામે પણ કાર્યવાહી કરવાની માંગ
જામનગર-કાલાવડ રૂટ ની એસ.ટી. બસ ના લોકપ્રશ્નોને સતત વાચા આપનાર સ્થાનિક પત્રકાર અને પત્રકાર મંડળના મંત્રી કિંજલ કારસરીયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ ને પગલે પત્રકારો માં ભારે રોષ વ્યાપી ગયો છે. આ મામલે પત્રકાર આલમ દ્વારા નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ને સંબોધી ને જામનગર જિલ્લા કલેક્ટર મારફત એક લેખિત પત્ર પણ પાઠવવામાં આવ્યો છે.
આ પત્ર માં જણાવ્યા અનુસાર, કિંજલ કારસરીયા છેલ્લા ઘણા સમયથી એસ.ટી. બસ સુવિધા અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને સ્થાનિક ડેપો તેમજ ડિવિઝન માં સતત રજૂઆતો કરી રહ્યા હતા. પ્રજા ના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે જામનગર એસ.ટી. ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના ઈશારે પત્રકારનો અવાજ દબાવવા માટે પાયાવિહોણી ફરિયાદ દાખલ કરાવાઈ હોવાનો પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે. આ રજૂઆતમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે કે, લોકપ્રશ્નો ઉઠાવનાર પત્રકાર વિરુદ્ધ નોંધાયેલી આ ખોટી એફ.આઈ.આર. તુરંત રદ કરવામાં આવે, પત્રકારત્વનો અવાજ ડામવા નો પ્રયાસ કરનાર એસ.ટી. વિભાગના સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે, અને ભવિષ્યમાં કોઈ પણ જાગૃત નાગરિક કે પત્રકાર સામે આવી ખોટી કાર્યવાહી ન થાય તે માટે જવાબદારો સામે કડક દાખલારૂપ પગલાં ભરવામાં આવે. આ આવેદનપત્રની એક નકલ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે અને પત્રકારોએ આ મામલે ત્વરિત તેમ જ ન્યાયી પગલાં ભરવાની જામનગર પત્રકાર મંડળ દ્વારા આગ્રહભરી માંગ કરવામાં આવી છે.
