ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : વિજયવાડામાં મેચ
આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા ખાતે આગામી તા.26 સપ્ટેમ્બરના રોજ નેશનલ લેવલની અન્ડર-14 બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાશે. જ્યાં સમગ્ર દેશ માંથી 60 જેટલી ટીમો ભાગ લેશે. તે પૈકી ગુજરાત રાજ્યની 2 ટીમ (ગલ્ર્સ/બોયઝ)ની પસંદગી કરવામાં આવી છે. આ ટીમો માટે કોચિંગ કેમ્પનું આયોજન જામનગર ખાતે 10 દિવસ માટે કરવામાં આવ્યું હતું. જેમાંથી જામનગરના ત્રણ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. આ ટીમોના કુલ 24 ખેલાડીઓ વિજયવાડા ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થશે.
આ પસંદગી પામેલા ખેલાડીઓમાં બોયઝ કેટેગરીમાં જામનગરના હિમાલય વારોતરીયા ગર્લ્સ કેટેગરીમાં આન્યા પાંડે અને ત્રિશા નિર્બાનનો સમાવેશ થાય છે.
કલેકટર એ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પડતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના યુવાનો રમતગમત ક્ષેત્રે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે તે ગૌરવની વાત છે. ખેલાડીઓ નેશનલ લેવલે જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી, ટીમ વર્ક અને શિસ્ત સાથે રમવા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટર એ ખેલાડીઓને ફિટનેસ, મહેનત અને સતત પ્રેક્ટિસ પર ભાર મુકવા અનુરોધ કર્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ તકે ખેલાડીઓ દ્વારા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ બદલ તેમજ જામનગર રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે રાવલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, કોચ, ખેલાડીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લખનીય છે કે, જામનગર જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન અને યોગ્ય તાલીમ મળી રહે તે માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ રમતોમાં તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેના પરિણામે જામનગરના યુવા ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે. જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી બાસ્કેટબોલની નિયમિત તાલીમ આપવામાં આવી રહી છે, જેના પરિણામે અનેક ખેલાડીઓએ આ રમતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
