પોલીસે નોટીસ પાઠવી: અન્ય ત્રણના નામ પણ ખૂલ્યા
જામનગર ટપાલ કચેરીના ખાતાઓમાં લાખો રૂપિયાના સાયબર ફોડના નાણાંની હેરાફેરીના ચકચારી કેસમાં ટપાલ કચેરીના જ એક કર્મચારી અને તેના ભાઈ સહિત ચાર શખ્સોની સંડોવણી ખૂલતાં પોલીસે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરી છે.
શહેરના ચાંદી બજાર સ્થિત ટપાલ કચેરીમાં ખાતાઓમાં સાયબર ફ્રોડના રૂા. 64 લાખથી વધુ રકમની હેરાફેરી અંગે જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં નવ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધાયો હતો. આ કેસની તપાસ દરમિયાન ટપાલ ખાતાના જ કર્મચારી આફતાબ યાકુબભાઈ માડકીયા ની સંડોવણી ખૂલતાં પોલીસે ટપાલ કચેરીને પત્ર લખીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કર્મચારી ના ભાઈ આતિક ઉર્ફે આસીફ યાકુબભાઈ માડકીયા સહિત નવ વ્યકિતઓના નામ ફરિયાદમાં જાહેર થયા છે.
ચાંદી બજાર સ્થિત ટપાલ કચેરી ઉપરાંત મેડીકલ કોલેજ કેમ્પસ ટપાલ કચેરીમાં પણ આ રીતે જ સાયબર ફોડના નાણાંની હેરાફેરી થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. ટપાલ કચેરીમાં બીજાના ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીનો આંકડો ઘણો વધી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.
કર્મચારી સામેની પોલીસની નોટિસ મળી છે: પોસ્ટ સુપ્રિ.
જામનગર ટપાલ કચેરીના સુપ્રિ. અભિજીતસિંઘે આ અંગેની પૂછપરછમાં જણાવ્યું હતું કે, આફતાબ માડકીયા નામના કર્મચારી અંગે પોલીસની નોટિસ મળી છે. અને તે અંગે આગળની કાર્યવાહી માટે પ્રયાસો ચાલુ છે.
