કાલાવડમાં ભેળસેળ યુક્ત દુધ પકડાયું 75 કિલો દુધ બનાવવાનો પાવડર કબ્જે

જામનગર જિલ્લાના કાલાવડમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. અને ભેળસેળયુક્ત દૂધ બનાવાઈ રહ્યું છે તેવી બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડ્યો હતો અને 1200 લીટર ભેળસેળયુક્ત દૂધ, 75 કિલો વનસ્પતી ઘી તથા 7પ કિલો દૂધ બનાવવાનો પાવડર વગેરે કબજે કર્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરતા ધંધાર્થીઓને શોધી કાઢવા અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉપરી અધિકારીઓ દ્વારા એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. વી.બી. ચૌધરી ને સૂચના આપી હતી. જેના અનુસંધાને પોલીસ સબ ઈન્સ. એલ.એમ. જેર ના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તૌસીફભાઈ તાયાણી, રમેશભાઈ ચાવડા અને ફિરોજભાઈ ખફી બાતમી મળી હતી કે, કાલાવડના શિતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે રહેતા દૂધના ધંધાર્થી કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણી (રહે. ઝાલાસણ, તા. કાલાવડ) ભેળસેળવાળુ દૂધ બનાવે છે. આ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે તેના મકાનમાંથી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલતી હોવાનું નજરે પડ્યું હતું આથી 1200 લીટર ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઉપરાંત 75 કિલો વનસ્પતી ઘી અને 7પ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો..
આ પછી તુરત જ ફૂડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલિફોનથી જાણ કરી બોલાવાયા હતા અને તેમની હાજરીમાં જરૂરી સેમ્પલ મેળવીને આ તમામ જથ્થો કબજે કરી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે સ્થળે નાશ કરાયો હતો અને દૂધના ધંધાર્થીઓ વિરૂદ્ધ ફૂડ સેફટી ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ