જામનગરમાં ટ્રાન્સપોર્ટ માં આવેલા પાર્સલ માંથી દારૂનો જથ્થો નીકળ્યો

બોલેરો કારમાંથી દારૂના 2448 ચપલા મળ્યા

જામનગર નજીકના દરેડ ગામ પાસેથી ગઈકાલે સાંજે પોલીસે ઈંગ્લીશ દારૂના 2448 ચપલા લઈને જતો એક બોલેરો પકડી પાડ્યો છે. તેમાં રહેલા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે છે. ઉપરાંત દારૂના અન્ય કિસ્સામાં એક ટ્રાન્સપોર્ટમાં જીમમેટના નામે મોકલવામાં આવેલા પાર્સલમાંથી દારૂના 2160 ચપલા પોલીસે કબજે કર્યા છે. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીક નીલગીરી ગોળાઈમાં ગઈકાલે પસાર થતી એક બોલેરોમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી પરથી પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બોલેરો પસાર થતાં તેને રોકાવી તલાશી લેવામાં આવતા તેમાંથી 2448 નંગ દારૂ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ.6,63,408ની કિંમત ના દારૂ સહિતના મુદ્દા માલ સાથે સાથે દરેડ ના દિવ્યેશ નારણભાઈ હુણ તથા નિલેશ નારણભાઈ હુણ નામના બે શખ્સની ધરપકડ કરી છે. જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલા ગોમતીપુરમાં જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં આવેલા એક પાર્સલમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમી પરથી ગઈરાત્રે બે વાગ્યે સિટી બી ડિવિઝનના પીઆઈ એન.બી. ચૌહાણ, પીએસઆઈ વી.કે. ગોહિલ તથા સ્ટાફે જયપુર ગોલ્ડનના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મળી આવેલા એક પાર્સલમાંથી ઈંગ્લીશ દારૂના 2160 ચપલા નીકળી પડ્યા હતા. જીમ મેટ મોકલવાના બહાના હેઠળ સીમરન એન્ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા યુવરાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢી માટે આ પાર્સલ મોકલવામાં આવ્યું હતું. તે પાર્સલની બાતમી પોલીસને મળી જતાં જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી આ પાર્સલ કબજે કરાયું હતું. તેને ખોલીને જોવામાં આવતા તેમાંથી 300 નંગ જીમમેટ નીચેથી દારૂના 2160 ચપલા મળી અવ્યા હતા. પોલીસે પાર્સલ મોકલનાર તથા મંગાવનાર પેઢીના જવાબદાર વ્યક્તિઓ સામે ગુન્હો નોંધી કુલ રૂ.6,60,360નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ