તાલાલા ગીરથી સોમનાથ જતા નવનિર્મિત માર્ગ ઉપર ચોમાસા પહેલા ગાબડાં પડવા લાગ્યા

સ્ટેટ હાઇવે ની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારનો પરપોટો ફુટે નહીં માટે ચોમાસા પહેલા બાંધકામ ખાતાના બાબુઓ થીંગડા લગાવી રહ્યાની લોકચર્ચા

તાલાલા ગીરથી સોમનાથ જતો નવનિર્મિત બનેલ માર્ગ ઉપર પ્રથમ ચોમાસા પહેલા ગાબડાં પડવા લાગ્યા હોય બાંધકામ ખાતાના બાબુઓ નવનિર્મિત માર્ગ ઉપર ભ્રષ્ટાચારના ગાબડાંની મરામત કામગીરી શરૂ કરી હોય તેવા ખુલ્લા આક્ષેપો સાથે આ માર્ગની કથિત કામગીરીની વિના વિલંબે તપાસ કરાવવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.
તાલાલા વિસ્તારમાં છડેચોક થતી લોકચર્ચા પ્રમાણે તાલાલા ગીરથી સોમનાથ જતા સ્ટેટ હાઇવે નાં માર્ગ પૈકી તાલાલા-વેરાવળ સુધીનો માર્ગ કરોડોના ખર્ચે નવનિર્મિત બનાવેલ છે.વારંવારની રજુઆતો બાદ માંડ માંડ માર્ગની કામગીરી શરૂ થઈ હતી ત્યારબાદ ગોકળગાયની ગતિએ બનેલ આ માર્ગની કામગીરી થોડા માસ પૂર્ણ થઈ હતી છતાં પણ માર્ગ ઉપર ઠેરઠેર ગાબડાં પડી ગયાં છે.ઘણી જગ્યાએ સી.સી થી બનેલ આ માર્ગ ઉપર તિરાડો પડી ગઈ હોય આ તિરાડો ડામરથી બુરવામાં આવી હોવાનું પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે.અધિકારીઓના સંપૂર્ણ સુપરવિઝન સાથે તાલાલા-વેરાવળ માર્ગ બન્યો છતાં પણ હજી ચોમાસું આવ્યું નથી ત્યાં જ સ્ટેટ હાઈવેના મહત્વના આ માર્ગ ઉપર ચોમાસા પહેલા ગાબડાં પડવા લાગ્યા હોય બાંધકામ ખાતાના બાબુઓની નિષ્ઠા સામે લોકો સવાલ કરી રહ્યા છે.
તાલાલા ગીરથી સોમનાથ અને સોમનાથ થી સાસણ ગીર તરફ જતા દર વર્ષે હજારો પ્રવાસીઓ આ માર્ગ ઉપર પસાર થાય છે.
સૌના માટે આશીર્વાદરૂપ સાસણ થી સોમનાથ જતો આ માર્ગ આંગળી ના વેઢે ગણાય તેટલા માસમાં બનેલ છતાં થીંગડા લગાવવા પડે તેવી સ્થિતિ કોના પાપે ઉભી થઇ છે..??તેવો પ્રશ્ન પ્રજા પુછી રહી છે…!!આ માર્ગ ઉપર તાલાલા વિસ્તારની રૂ.7 કરોડ 32 લાખની કિંમતી સરકારી જમીન ઉપર થયેલ દબાણો એક જ ઝાટકે ખુલ્લા કરાવી તાલાલા વિસ્તારમાં પ્રશંસાને પાત્ર બનેલ ગીર સોમનાથ જિલ્લાના લોકપ્રિય કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તાલાલા-વેરાવળ નવનિર્મિત માર્ગની કામગીરીની ગુણવત્તા અંગે થર્ડ પાર્ટી તપાસ કરાવી માર્ગની કથિત કામગીરીની સત્યતા બહાર લાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ