ડોળાસા, તા.29
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામની સીમમાં તા.28ની સાંજના ધોડા દિવસે બપોરે 4-30 કલાકે એક વિકરાળ દીપડાએ વાડીમાં રમતી બે બાળાઓ ઉપર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ સર્જી હાહાકાર મચાવી દીધો હતો, પણ જામવાળા જંગલ ખાતા દ્વારા તુરત પગલા લેવાતા એજ રાત્રીએ 10 વાગ્યે આ દીપડો પાંજરે પુરાયો છે.
આ બનાવની વિગત એવી છે કે ડોળાસા નજીકના જંત્રાખડી ગામના પ્રતાપભાઇ બચુભાઇ જાદવની વાડીમાં કામ કરતા નોંઘણભાઇ દેવસીભાઇ ભાલીયાના શ્રમજીવી પરિવાર ખેતીવાડીનું કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના બપોરના 4-30 કલાકે આ પરિવારની બે નાની નાની બાળાઓ કીરણ (ઉ.વ. 8) અને હીરલ (ઉ.વ. 6) વાડીમાં રમતી હતી ત્યારે એક વિકરાળ દીપડાએ આ બાળાઓનો શિકાર કરવા હુમલો કર્યો હતો પણ મોટી દીકરી કિરણની સમય સુચકતા દ્વારા બુમાબુમો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. આ બનાવની જામવાળા જંગલખાતાને જાણ થતાં જંગલ ખાતાના અધિકારી રવિભાઇ મોરી, સ્ટાફ અને પાંજરા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ રાત્રીના 10 વાગ્યે દીપડો પાંજરામાં આવી ગયો હતો હજુ પણ ઘણા દીપડાઓ આ વિસ્તારમાં આંટા મારે છે.
