જુનાગઢ તા. 15
જુનાગઢમાં સિનિયર સિટીઝનો દ્વારા મકર સક્રંતિ નિમિતે મમરાનાં લાડુ ખાવાની એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર વડીલ મહિલા અને પુરુષોએ જ ભાગ લિધો હતો એટલે આ સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બની હતી. અને સ્પર્ધામાં ભાગ લઈ સિનિયર સિટીઝનોએ પોતાનું જોમ બતાવી ખુશ થયાં હતાં. છેલ્લા આઠ વર્ષથી જુનાગઢમાં મકરસંક્રાંતિના દિવસે સિનિયર સિટીઝનો સૌથી વધુ લાડુ કોણ ખાઇ શકે તે માટેની સ્પર્ધાનું આયોજન સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા થાય છે, આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા 8મી લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પાંચ મિનિટની અંદર બે વૃદ્ધોએ 13 લાડુ ખાધા હતા. જેથી ટાઈ પડી હતી. બાદમાં ફરીવાર બંને વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેથી પુરુષ વિભાગમાં વિજેતા થનાર વૃદ્ધે 22 લાડુ ખાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે લાડુ સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વૃદ્ધાએ સૌથી વધુ 14 મમરાના લાડુ ખાઇ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
