જૂનાગઢમાં ચર્ચાતો પ્રશ્ર્ન: ભવનાથ તળેટીમાં ચાલુ વર્ષે મીની કુંભ યોજાશે કે પરંપરાગત શિવરાત્રીનો મેળો ?

જુનાગઢ,તા.21
લાખો ભાવીકો શ્રધ્ધાળુઓ અને મેળાના માણીગરોનું અંતે સરકારે સપનું રોળ્યું છે. કારણ કે આ વર્ષે જુનાગઢનો ભવનાથનો શિવરાત્રી મેળો કુંભ મેળા તરીકે નહીં યોજાય અને અત્યાર સુધીમાં સરકાર દ્વારા એક પણ પાઇ તંત્રને મેળાના આયોજન માટે ફાળવવામાં આવેલ નથી ત્યારે આ વર્ષે ભવનાથનો શિવરાત્રી મેળો પરંપરાગત રીતે જ ઉજવાશે તેવા સંકેતો સાપડી રહ્યા છે. જેને લઇને કોંગ્રેસમાંથી તીખી પ્રતિક્રીયા આવી રહી છે. તો સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે ભાજપના આગેવાનો પ્રયત્નો કરી રહ્યા હોવાના ગાણા ગાઇ રહ્યા છે.
ભજન, ભોજન અને ભકિતના સંગમ સમો ભવનાથનો શીવરાત્રી મેળો દશકાઓથી યોજાઇ રહ્યો છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં શીવરાત્રીના પાવન દિવસે શીવજીના સાનીધ્યમાં યોજાતા આ પાવન શીવરાત્રી મેળામાં દેશ વિદેશના સાધુ સંતો મહંતો, યોગીઓ અને જોગીઓ મોટી સંખ્યામાં પધારે છે અને ભવનાથ મેળા વિસ્તાર સહિત અખાડા દેવાલયો અને વન વિસ્તારમાં ધુણા ધખાવી તપ કરી શીવરાત્રીની મધ્ય રાત્રીએ નીકળતી શાહી શોભાયાત્રામાં જોડાઇ પાવન પવિત્ર મૃર્ગીકુંડમાં શાહી સ્નાન કરે છે અને પાંચ દિવસનો આ ભકતી સભર મેળો સંપન્ન થાય છે. એક વાયદા મુજબ આ મેળામાં ખુદ ભગવાન ભોળાનાથ ભવનાથ પધારે છે અને શીવરાત્રીની રાતના મૃર્ગીકુંડમાં સ્નાન કરી અદ્રશ્ય થઇ જાય છે.
બીજીબાજુ ભવનાથનાં શીવરાત્રી મેળો ભજન અને ભોજન માટે પણ અતી લોકપ્રિય છે. કારણ કે મેળાના એક એક ઉતારા, દેવાલયો, મંદીરો તથા આશ્રમોમાં સતત પાંચ દિવસ સુધી નામી અનામી કલાકારો દ્વારા અહીં ભજનની લહેરો છુટે છે અને ભાવીકજનો ભજનનો અલભ્ય લાભ લે છે.
બીજી બાજુ 5 દિવસ ચાલનારા આ મેળામાં 5 થી 10 લાખ ભાવીકો, શ્રધ્ધાળુઓ અને મેળાના માણીગરો આ મેળાનો 1 થી લઇને 5 દિવસ સુધી આનંદ માણે છે ત્યારે લાખો લોકો માટે મેળામાં ઉતારા મંડળો દ્વારા તેમના રહેવા માટે ગાદલા, ગોદડા, પાણી, સ્નાનની વ્યવસ્થા વિના મુલ્યે કરવામાં આવે છે. તો લાખો લોકો માટે સવારમાં ગરમ ફરસાણ, ચા-કોફીની સાથે ભાતભાતની મીઠાઇઓ ફરસાણ તથા વ્યંજનો 5 દિવસ માટે અન્નક્ષેત્રો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવથી પીરસાય છે.
અનેક દશકાઓથી જુનાગઢના ભવનાથ ખાતે યોજાતા પરંપરાગત શીવરાત્રી મેળા દરમિયાન સને 2018માં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહેમાન બનેલ અને લોકોની પ્રચંડ માંગને વશ થઇને જુનાગઢનો શિવરાત્રી મેળો સને 2019 ના રોજ મીની કુંભ મેળા તરીકે યોજાશે તેવી જાહેરાત કરી હતી અને ગત વર્ષે સરકારે રૂ.15 કરોડ મેળા માટે ફાળવ્યા હતા અને અનેક કાયમી સગવડ, સવલતોની સાથે આ મેળાને આધુનીક બનાવતા કાર્યક્રમો સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.
જો કે ગત વર્ષે યોજાયેલ શિવરાત્રી મેળામાં ભયંકર ભ્રષ્ટાચાર અને આવેલ ગ્રાન્ટ વાપરવામાં ગેરરીતી થઇ હોવાની તથા ભાજપના અમુક આગેવાનો આ મેળો પોતે કરતા હોય તેવી ચલાવી હોવાની સાથે સામાન્ય લોકો માટે એક પાઇ પણ વાપરવાના બદલે વીઆઇપીઓ માટે કરોડો રૂપીયા ખર્ચાયા હોવાની બુમો ઉઠવા પામી હતી અને જુનાગઢના પવિત્ર શીવરાત્રી મેળાને ભ્રષ્ટાચાર ગેરરીતીનું કલંક લાગ્યું હતું.
લોકોની વ્યાપક ફરીયાદો અને આક્ષેપો બાદ જુનાગઢના ભવનાથ ક્ષેત્રના મહંત મુકતાનંદજી દ્વારા આ બાબતે આરટીઆઇ પણ કરવામાં આવી હતી અને તે આરટીઆઇમાં પ્રાપ્ત થયેલ માહિતીમાં મસમોટી ગેરરીતી અને ફાળવાયેલ ગ્રાન્ટમાંથી મેળામાં આવેલ લોકો માટે એક પૈસાની પણ ફાળવણી કરવામાં આવી ન હોવાની અને લાખો રૂપીયા ટેન્ટ અને વીઆઇપીઓના ભોજન માટે ખર્ચાયા હોવાનું બહાર આવ્યાની સાથે લેસર શો, રૂદ્રાક્ષની બનાવાયેલ શીવલીંગ તથા ડમરૂ યાત્રા સહીતના આયોજનોમાં ગેરરીતી થયાની શંકા ઉપજાવતી બાબતો સામે આવી હતી.
દરમીયાન આજે આગામી તા.17 ફેબ્રુઆરીથી તા.21 ફેબ્રુઆરી સુધી યોજાનારા શીવરાત્રી મેળાની જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ વર્ષનો શીવરાત્રી મેળો મીની કુંભ મેળા તરીકે નહીં પરંતુ પરંપરાગત રીતે યોજાશે. તેવું જાણવા મળેલ છે. ત્યારે સરકારે આ વર્ષના શીવરાત્રી મેળામાં હજુ સુધી કોઇ રકમ ન ફાળવતાં અને મોટે ઉપાડે ભવનાથના શીવરાત્રી મેળાને કંભ મેળાની કરેલ જાહેરાત બાદ આ વર્ષે મીની કુંભ મેળાનું આયોજન ન કરતાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને ઉતારા અન્નક્ષેત્ર મંડળ સહીત હજારો શ્રધ્ધાળુઓ ભાવીકોમાં નારાજગી ફેલાય છે. તથા શીવરાત્રી મેળાને હજુ ઘણા દિવસો બાકી છે ત્યારે સરકારને બોલેલું ચાટવું ન પડે તે માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવી ભવનાથના શીવરાત્રી મેળાને મીની કુંભ મેળા તરીકે જ યોજવામાં આવે તે માટે નિર્ણય કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ