વિસાવદર: તા.1
શહેરમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પીવાના પાણીનું કોઈ નિશ્ર્ચિત ટાઈમ ટેબલ ન હોઈ જયારે પણ પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે માષટા ભાગના વિસ્તારના લોકોને જાણ ન થતા પાણીનો વેડફાટ થાય છે અને હાલ પાણીના સ્ત્રોતોમાં માતબર જળરાશીને કારણે વેડફાતા પાણીની દરકાર લેવામાં આવી રહી નથી પરતું અત્યારે સમય પત્રકના અભાવે વેડફાઈ રહેલા પાણીની કમી ઉનાળાના સમયે ચોકકસ દેખાશે ત્યારે સમગ્ર શહેરમાં પાણી વિતરણના સમયે રોડ રસ્તાઓ પાણી પાણી થઈ જતા હોઈ અને ગટરોમાં વહી જતા હોઈ તે અંગે પાલિકા થિંક ટેન્ક ગંભીરતાથી વિચારે અને શહેરમાં જયાં પણ નળ કનેકશનો છે ખાસ કરીને રોડ રસ્તાઓ પર નળ કનેકશનો છે તેનો સર્વે કરી પાણીની લાઈનો જે ખુલ્લે ખુલી રાખી દેવામાં આવે છે અને નળ આવે ત્યારે એમાંથી પાણી જાહેર માર્ગો પર વેડફાઈ જાય તે માટે નળ કનેકશનોમાં પાણી વિતરણ બાદ દટ્ટી મારી બંધ કરી દેવા કનેકશન ધારકોને કડક સુચના આપે એ જરૂરી બન્યું છે. અને ખાસ જરૂરી તો એ છે કે, શહેરના દરેક વિસ્તારમાં પાણી વિતરણનું એક નિશ્ર્ચિત સમય-પત્રક બનાવે અને દરેક વિસ્તારમાં એ સમય પત્રકની નોટીસ લગાવે. મોટે ભાગે પાણીના નિશ્ર્ચિત ટાઈમ ટેબલ ન હોવાને કારણે લોકોને પાણી આવે ત્યારે ખબર ન હોવાને કારણે જ પાણીનો વેડફાટ થતો હોય છે. પાણી વિતરણ વ્યવસ્થા માટે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા બોર્ડ અને પાલિકાએ લાઈનો નાખી છે અને પાણીના ટાંકાઓ બનાવેલા છે પરંતુ આ સિંચાઈના કામો થયાને આશરે એક દશકો થવા આવ્યો હોવા છતાં લોકોને તેનો લાભ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે એ પણ ખુબી છે. ત્યારે જાહેર માર્ગો પર દર ત્રીજા દિવસે ભરાતા પાણીના તલાવડાઓથી ત્રસ્ત શહેરીજનો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, પાણી વિતરણનું નિશ્ર્ચિત સમય-પત્રક બનાવે અને એ મુજબ પાણી વિતરણ કરે.
પાણી વિતરણ સમયે તસવીરોમાં દેખાય છે તેમ જાહેર માર્ગો પર પાણીના રીતસર તલાવડા ભરાઈ જાય છે અને લોકોને આવા ગમનમાં પણ ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડે છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં કાયમી બની ગયેલી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે.
