જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા

જૂનાગઢની અગ્રણી સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય કારકિર્દી નિર્માણને ધ્યાનમાં રાખીને જલારામ ભક્તિધામ મંદિર ખાતે ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ યોગ્ય ક્ષેત્રની પસંદગી કરી શકે, પોતાના રસ અને ક્ષમતાને અનુરૂપ કારકિર્દી ઘડી શકે તેમજ ઉચ્ચ અભ્યાસ, વ્યવસાયિક કોર્સ, સરકારી નોકરી, ટેકનિકલ શિક્ષણ, મેડિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ અને અન્ય વિવિધ ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવી શકે તે હેતુસર આ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં જુનાગઢના શિક્ષણવિદો તથા પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ડો. ચિંતન કક્કડ મેકવિન્સ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ, ડો. ખ્યાતિ ભુપ્તા દ્રોણ દ્રષ્ટિ સાયન્સ એકેડેમી, ડો. અજયકુમાર સી. ટીકા એસોસિયેટ પ્રોફેસર, જે.કે.એમ. કોલેજ તેમજ પરેશભાઈ પંડ્યાઅને માહી એજ્યુકેશનના ડાયરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી, સમય વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ વિકાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને ભવિષ્યની તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જલારામ ભક્તિધામ મંદિરના ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટ, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા, જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પેથોલોજી વિભાગના ડો. હાર્દિક મકવાણા, ગિરનારી ગ્રુપના ટ્રસ્ટી દિનેશભાઈ રામાણી તથા રાજેશભાઈ લાડાણી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ