જૂનાગઢમાં ક્રિપ્ટો કરન્સીમાં ઉંચા વળતરની લાલચ આપી રોકાણકાર સાથે 45.55 લાખની ઠગાઈ

લમણે રિવોલ્વર મુકી બળજબરીથી લખાણ કરાવ્યાની પોલીસ ફરિયાદથી ચકચાર

વિસાવદર પંથકના શખ્સે ક્રિપ્ટોકરન્સીમાં ઊંચું વળતરની લાલચ આપી, જૂનાગઢના રોકાણકારો સાથે રૂ. 45,55,000 ની છેતરપિંડી આચરી, લમણે રિવોલ્વર મૂકી, ગોંધી રાખી, ધમકી આપી, બળજબરીથી લખાણ કરાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા મૂળ ભેસાણના મોટા ગુજરીયા ગામના ફરિયાદી વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇ જોરૂભાઇ ખાખડીયા એ વિસાવદર તાલુકાના રૂપાવટી (ઇશ્ર્વરીયા) ગામના આરોપી ગૌતમ સુરેશભાઇ વીકમા તથા જયરાજ દેવકુભાઇ વિકમાં સામે આક્ષેપો કરતી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ગૌતમ વીકમા એ ફરીયાદી વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇ તથા અન્યોને યુએસડીટી માં રોકાણ કરી ઉંચા વળતરની લાલચ આપી, રૂ. 45,55,000 પડાવી લેતા, ફરીયાદી વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇ એ આપેલ રૂપીયા પરત માંગતા આરોપી ગૌતમ વીકમાં એ પોતાની માલીકીની થાર રોક્સ કારની કિમત રૂ. 22,50,000 ગણાવી, સાહેદ જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઇના નામે વેચાણ કરાર કરી આપી, બાકીના રૂપીયા પરત આપી દેવાનો વાયદો કરી, આરોપી ગૌતમ વીકમાં તથા જયરાજ વિકમાં એ ફરીયાદી વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇ તથા સાહેદોને વિસાવદર ખાતે બોલાવી, આરોપી જયરાજ વિકમાં એ ફરીયાદી વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇના લમણે રીવોલ્વર રાખી, મોતના ભયમાં મુકી, વનરાજભાઇ ઉર્ફે પીન્ટુભાઇ તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગોંધી રાખી, આરોપી ગૌતમ વીકમાં એ સાહેદ જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઇ પાસે બળજબરીથી લખાણ રદ કરાવી અને બળજબરીથી ફરીયાદી પાસે સ્ટેમ્પ ખરીદ કરાવડાવી, જો રૂપીયા માંગશે તો વ્યાજના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, ગુન્હામાં એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે, જેની તપાસ બી ડિવિઝન પી.આઈ. એ.બી.ચૌધરી એ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ