ત્રણ વર્ષ પહેલા માર્ગ બન્યો ત્યારે જ કામગીરી નબળી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી: બાંધકામ વિભાગના આંખ આડા કાન
તાલાલા તાલુકાનાં ગીર જંગલની વચ્ચે આવેલ વાડલા ગીર ગામને અવરજવર માટે એકમાત્ર માર્ગ છે તે પણ સાવ ખલાસ થઈ ગયો હોય રાહદારીઓએ ચાલવું કઠીન બની ગયું છે…ચોમાસાના દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા બાંધકામ વિભાગ ગામના માત્ર ત્રણ કિ.મી મુખ્ય માર્ગની જરૂરી મરામત કરાવે તેવી બાંધકામ વિભાગ સમક્ષ ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા એ માંગણી કરી છે. સરપંચે આપેલ વિગત પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ગામનો મુખ્ય માર્ગ નવનિર્મિત બન્યો ત્યારે માર્ગની કામગીરી સાવ નબળી થઈ હતી.આ અંગે જે તે વખતે બાંધકામ વિભાગ સમક્ષ લેખિત ફરિયાદો કરી હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલાપીપણા ને કારણે ગ્રામજનોની લેખિત ફરિયાદો ધ્યા ને લીધી નહીં… પરિણામે માર્ગમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે ત્યારબાદ નવનિર્મિત માર્ગ તૂટવા લાગતા છેલ્લા બે વર્ષથી અગાઉ કરેલ ફરિયાદોની વિગતો સાથે સરકારમાં અવિરત રજુઆતો કરી તપાસની માંગણી કરવામાં આવી પરંતુ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેમ છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલ ફરિયાદોની તપાસ કરવાના બદલે બધી જ ફરિયાદો કચરા ટોપલીમાં પધરાવી દીધી હોય બાંધકામ વિભાગના બાબુઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે… વાડલા ગીર ગામના એકમાત્ર માર્ગની ચોમાસા પહેલા જરૂરી મરામત કરવામાં નહીં આવે તો ચોમાસામાં માર્ગ ઉપરથી પસાર થવું કઠિન બની જશે માટે બાંધકામ વિભાગના બાબુઓ તુરંત ગામના મુખ્ય માર્ગની મુલાકાત લઈ ઘટતું કરે તેવી ગ્રામજનો વતી યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા એ માંગણી કરી છે.
