જૂનાગઢમાં તમંચા સાથે ડુંગરપુરનો શખ્સ ઝડપાયો

પોલીસે રૂા. 15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો: અન્ય એકનું નામ ખુલ્યું

જુનાગઢ રેન્જ પોલીસે તમંચો તથા ખાલી કાર્ટિસ સાથે ડુંગરપુરના એક યુવકને દબોચી લઈ, રૂ. 15 હજારનો મુદામાલ કબજે લઈ, બે શખ્સો સામે ગુન્હો નોંધી, એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી રેન્જ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ડુંગરપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રહેતો ફિરોઝ ઉર્ફે વોન્ટેડ જુમાભાઈ બ્લોચ નામનો શખ્સ જૂનાગઢમાં દાતાર ખાતે રહેતા સમીર ઉર્ફે ભોપો મકરાણીનો દેશી તમંચો રાખીને ડુંગરપુર ગામના સ્મશાન સામે જૂના ડુંગરપુર ગામના પાટીયા પાસે વળાંકમાં ઊભો છે.
આ બાતમીના આધારે રેન્જ પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં ઊભેલા ફિરોઝ બ્લોચ (ઉ.વ. 27)ને કોર્ડન કરી ઝડપી લઈ અંગઝડતી લેતા તેના પેન્ટના નેફામાંથી એક લોખંડની દેશી હાથ બનાવટનો રૂ. 10,000 ની કિંમતનો તમંચો (કટ્ટો) તથા એક ખાલી પીતળનું કારતૂસ મળી આવતા પોલીસે મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમા આ પરવાના વગરનું હથિયાર જૂનાગઢમાં દાતાર ખાતે રહેતા સમીર ઉર્ફે ભોપો મકરાણી નામના શખ્સનું હોવાનું ખુલતા પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફિરોઝની ધરપકડ કરી સમીર ઉર્ફે ભોપો મકરાણીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ