ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતાં મગ, અડદ અને તલના વેપાર પર બ્રેક; ખેડૂતો-વેપારીઓમાં ચિંતા
ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા આજથી કઠોળની આવક સંપૂર્ણપણે બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વર્તાઈ રહેલી ડીઝલની તીવ્ર અછત અને તેના કારણે સર્જાયેલી ટ્રાન્સપોર્ટની સમસ્યાને પગલે મગ, અડદ અને તલ સહિતના કઠોળના વેપાર પર સીધી માઠી અસર પડી છે. માર્કેટિંગ યાર્ડના આ અણધાર્યા નિર્ણયથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ બંને ભારે ચિંતામાં મુકાયા છે.આ ગંભીર મુદ્દે કોડીનાર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડે જણાવ્યું હતું કે, “હાલ ડીઝલની કટોકટીને કારણે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કોડીનાર યાર્ડમાં આવતા કઠોળનો મોટો જથ્થો અન્ય રાજ્યોના બજારોમાં મોકલવામાં આવે છે. પરંતુ ટ્રકો સમયસર ઉપલબ્ધ ન થતાં ખરીદાયેલો માલ અટવાઈ જવાની અને બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ પૂરતી કઠોળની આવક બંધ કરાઈ છે. જોકે, અન્ય કૃષિ જણસોની આવક અને ખરીદી રાબેતા મુજબ ચાલુ રહેશે.”
હાલ ચોમાસાની આગામી સિઝન માટે ખેતરો તૈયાર કરવાનો ખૂબ જ મહત્વનો સમય ચાલી રહ્યો છે. ખેડૂતો પોતાનો પાક વેચીને આગામી વાવેતર માટે બીજ, ખાતર અને મજૂરીના ખર્ચની વ્યવસ્થા કરતા હોય છે. ખરીદી બંધ થતાં ખેડૂતો પાસે પાકનો સંગ્રહ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્ર ખોરવાઈ જવાનો ભય છે.બીજી તરફ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ઉપલબ્ધ ગણતરીની ટ્રકોના ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો હોવાથી વેપાર કરવો નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. જો સરકાર વહેલી તકે ડીઝલનો પુરવઠો સામાન્ય નહીં કરે તો વેપાર વ્યવસ્થા વધુ કથળશે તેવી ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી છે.પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ની આગેવાનીમાં તાલુકાના ઘાટવડ આલીદર વડનગર સહિતના 9 જેટલા પેટ્રોલ પંપ ઉપર ખેડૂતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે
ડીઝલની આ કટોકટી વચ્ચે કોડીનાર તાલુકાના ખેડૂતો માટે આ રાહતના સમાચાર આવ્યા છે. ખેડૂતોને ખેતીકામ અને વાહનો માટે ડીઝલ મળી રહે તે માટે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને નગરપાલિકા ઉપ પ્રમુખ શિવાભાઈ સોલંકી આગળ આવ્યા છે. તેમના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકાના 9 જેટલા પેટ્રોલ પંપના સંચાલકોની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ 9 પેટ્રોલ પંપના સરનામા જાહેર કરીને ખેડૂતોને ખેતીલક્ષી વાહનો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે. નેતાઓની આ સમયસૂચકતાને કારણે ખેડૂતોને મોટી રાહત મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી દિવસોમાં ડીઝલ ક્યારે અને કેવી રીતે મળશે તે જોવું રહ્યું.
