જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતી લાવવા અનોખો પ્રયાસ

ડ્રોપઆઉટ બાળકોને ફરી શાળાએ લાવવા વાલીઓ સાથે સંવાદ કરાયો

શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન દ્વારા ’ડ્રોપઆઉટ’ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જે રીતે સ્વયં મેદાનમાં ઉતરીને વાલીઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો છે, તે સમગ્ર રાજ્ય માટે એક મિસાલ બન્યો છે. સુરતના આ સફળ મોડેલને અનુસરીને જૂનાગઢ જિલ્લામાં પણ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો કમર કસે તે સમયની માંગ છે. એવું શિક્ષણ સાથે જોડાયેલા એજયુકેટર મુકેશ છતાણીએ જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લો ભૌગોલિક રીતે વિવિધતા ધરાવે છે. ગીરના જંગલ વિસ્તારો, દરિયાકાંઠાના પટ્ટીના ગામો અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અનેક બાળકો આર્થિક કે સામાજિક કારણોસર પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે જ છોડી દે છે. જો સુરત જેવા મહાનગરમાં 52,000 થી વધુ ડ્રોપઆઉટ બાળકો શોધી શકાતા હોય, તો જૂનાગઢમાં પણ આવા બાળકોની સંખ્યા મોટી હોઈ શકે છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા 3 થી 5 વર્ષમાં શાળા છોડનાર વિદ્યાર્થીઓનો સચોટ ડેટા તૈયાર કરવામાં આવે.
માત્ર કાગળ પર આદેશો આપવાને બદલે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પોતે વાલીઓના ઘરે જઈ શિક્ષણનું મહત્વ સમજાવે છે.
સ્થાનિક સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરોને આ અભિયાનમાં જોડીને ’શિક્ષણ રથ’ કે ’પ્રવેશ મહોત્સવ’ને વધુ ગંભીરતાથી અમલમાં મૂકવામાં આવે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) સુરતની આ પહેલને ધ્યાને લઈ જૂનાગઢમાં “મિશન વિદ્યા-જ્યોત” જેવું અભિયાન શરૂ કરે તેવી પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષણના ઉજાસ વિના કોઈ પણ શહેર કે જિલ્લાનો વિકાસ અધૂરો છે. આશા છે કે સુરતનું આ પ્રેરણાદાયી કિરણ જૂનાગઢના ઘરે-ઘરે પહોંચશે અને ગીરની ભૂમિ પર જ્ઞાનનો નવો સૂરજ ઉગશે.

રાજકીય પક્ષો અને સ્થાનિક નેતાઓને અપીલ
જૂનાગઢના વિકાસની વાતોમાં હવે ’શિક્ષણના સ્તર’ને પ્રાધાન્ય આપવાની જરૂર છે. રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી પ્રચારની સાથે સાથે પોતાના મતવિસ્તારમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેની જવાબદારી સ્વીકારે તે ઈચ્છનીય છે. જો સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સિલરો અને પંચાયતના પ્રતિનિધિઓ આ કાર્યમાં જોડાય, તો જૂનાગઢ ટૂંક સમયમાં સાક્ષરતાના શિખરે પહોંચી શકે છે.

રિલેટેડ ન્યૂઝ