બાળકોના વિભાગને રાષ્ટ્રીય કક્ષાનું કવોલીટી કેર મુસ્કાન સર્ટીફીકેટ એનાયત
જૂનાગઢની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના સંવેદનશીલ એવા બાળકોના વિભાગ એ રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી, રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી કેર “મુસ્કાન સર્ટિફિકેટ” મેળવી, હોસ્પિપટલમાં બાળકોને અપાતી ગુણવતાભરી સારવારની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવડાવી હોસ્પિટલની કામગીરીમાં એક યશસ્વી પીંછનો ઉમેરો કર્યો છે. જૂનાગઢ જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ ને રાષ્ટ્રીય કક્ષાએથી મુસ્કાનના સફળ પરીક્ષણ બદલ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. એટલે કે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આપવામાં આવતી બાળકોને લગતી સારવાર ખૂબ જ ગુણવત્તા સભર છે જે સાબિત થયેલ છે. ડો. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ જુનાગઢના પીડિયાટ્રિક્સ વિભાગ અંતર્ગત કાર્યરત નવજાત બાળકોનું આઈસીયુ, પીડીયાટ્રીક આઈસીયુ, બાળકોનો વોર્ડ, પીડીયાટ્રીક્સ એટલે કે બાળકોના વિભાગની ઓપીડી તથા કુપોષણ પુનરવસન કેન્દ્રનું રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલ હતું. જેમાં આ વિભાગમાં આપવામાં આવતી સારવાર રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તાના સૂચક માપદંડ અનુસાર છે કે નહીં, દર્દીના દાખલ થવાથી લઈને તેઓની સંપૂર્ણ ગાઈડ લાઇન્સ અનુસારની સારવાર, લેબોરેટરી તપાસ, દર્દીને આપવામાં આવતું ભોજન, સ્વચ્છતા, ઇન્ફેક્શન કંટ્રોલ, દર્દી તથા સગા માટેના પૂરતા દિશા નિર્દેશ આવા અલગ અલગ કુલ માપદંડોને ધ્યાને લઈને આ તમામ બાબતોનું સઘન ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. તથા ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમને પીડીયાટ્રીક્સ વિભાગની કામગીરી સંતોષકારક જણાએથી રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી કેર “મુસ્કાન સર્ટિફિકેટ” આપવામાં આવ્યું છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગે પ્રથમ બાળકોની ગુણવતા સભર સારવારની સાથે જરૂરી એવા ચાર લેવલ પાર કર્યા બાદ, અલગ-અલગ 700 ઇન્ડિકેટર્સનું ચેક લિસ્ટ મુજબની કામગીરી કર્યા બાદ અને તમામ સંબંધિત સ્ટાફ સાથે દર માસે એક એમ કુલ 21 સઘન મીટીંગ્સ અને તે સંબંધિત કાર્યવાહીની બાદ આ સિદ્ધિ મેળવી છે જે હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારી સારવારની કામગીરીમાં એક યશસ્વી પીંછાનો ઉમેરો કર્યો છે.
સ્ટાફની સુંદર કામગીરી ગૌરવમ્ય સર્ટિફિકેટ મેળવી લાવી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના સતત માર્ગદર્શન અને સૂચના મુજબ, પીડીયાટ્રીક્સ વિભાગના ડોક્ટર્સ ડો. અંકિતા બઢીએ, ડો. નિયતિ મહેતા, ડો. નીલમ શર્મા, ડો. અંકુર મહેતા, ડો .ગોપી તથા નવજાત બાળકોના વિભાગ, બાળકોના વોર્ડ, ઑપીડી, થેલેસેમિયા વોર્ડ, ગછઈ આ તમામ વિભાગના નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ તથા તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વર્ગ 4 ના કર્મચારીઓ, સેનેટરી સુપરવાઇઝર્સ, બાયો મેડિકલ એન્જિનિયર, આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર, સિક્યુરિટી ગાર્ડસ, વહીવટી વિભાગ સૌએ નિયમિત રીતે ખૂબ જ સરસ કામગીરી કરવાથી આ સર્ટીફીકેટ મળેલ છે.
