રોકડ સહિત 19 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી શીતલ નગર સોસાયટીમાં પોલીસે દરોડો પાડી, જાહેરમાં જુગાર રમી રહેલી 9 મહિલાઓને રૂ. 19,450 ના મુદામાલ સાથે ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મહિલાઓને છોડાવવા પરિવારજનોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા.
સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી. પી. ઝાની મધુરમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, મધુરમ શીતલનગર સોસાયટી શેરી નં. 4 માં મહિલાઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા, પોલીસને જોઈને જુગાર રમતી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી શોભનાબેન રવજીભાઈ મણવર, સોનલબેન ધનાભાઈ ભાસ્કર, સોમીબેન છગનભાઈ બોરીચા, વનિતાબેન પરબતભાઈ ભાદરકા, પુનમબેન પીયુષભાઈ વાણવી, રંજનબેન ખીમજીભાઈ સીંગલ, ધીરીબેન નાથાભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન ચંદુભાઈ વાળા અને કમળાબેન દિલીપભાઈ ચુડાસમાને જુગાર રમતા પકડી પાડી, પટ માંથી મળી આવેલ રૂ. 19,440ની રોકડ કબજે લઈ, 9 મહિલાઓ સામે જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
