ભાજપ અગ્રણી દ્વારા તપાસ કરવા કલેક્ટરને રજૂઆત
મામલતદાર કચેરી વિરૂદ્ધ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું
તાલાલા મામલતદાર કચેરીમાં રોકડી વગર કામ થતાં નથી તેવાં ચોંકાવનારા આક્ષેપો સાથે વકીલો તથા મુખ્ય જવાબદાર લોકોએ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં કચેરીના ગેરરિતી ભર્યા વહીવટની આધાર પુરાવા સાથે વિસ્તૃત છણાવટ પણ કરી હતી જેથી તંત્ર દોડતું થઈ ગયું હતું.
તાલાલા મામલતદાર કચેરીમાં સાચા કામ કરવામાં પણ કચેરીના અમલદારો અરજદારોને ખોટા ધક્કા કરાવી કનડગત કરતા હોય લોકો ત્રાહિમામ થઈ ગયા છે.મામલતદાર કચેરીના અરજદારોની દયાજનક સ્થિતિથી અવગત કરી તુરંત તપાસ કરવાની માંગણી સાથે તાલાલા પંથક ભાજપના પદાધિકારી અને વરિષ્ઠ અગ્રણી જીકુભાઈ સુવાગીયા એ ગીર સોમનાથ જિલ્લા સમાહર્તા ને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે…
ભાજપના વરિષ્ઠ અગ્રણીએ જીલ્લા કલેકટર ને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે જન્મ-મરણ નોંધ માટે મામલતદાર કચેરીમાં ચાર માસ પહેલાં તમાંમ ડોક્યુમેન્ટ સાથે વિધીવત અરજી કરી હતી તેની તા.20/02/2026 નાં રોજ રૂબરૂ સુનાવણી પણ થઈ ગઈ હતી છતાં પણ અનેક ધક્કા ખાધા પછી પણ કચેરીમાંથી હુકમ આપવામાં આવતો નથી.તાલાલા શહેરથી બે કિ.મી દુર આવેલ મામલતદાર કચેરીએ જ્યારે જ્યારે હુકમ લેવા જાય ત્યારે એક જ જવાબ આપવામાં આવે છે અમારી પાસે સ્ટાફ નથી… હુક્મ તમારા તલાટીને મોકલી આપશું… છેલ્લા ચાર માસથી આવાં મનઘડીત ઉડાઉ જવાબો આપવામાં આવે છે…મામલતદાર કચેરીમાં આવા અગણિત અરજદારો પણ ખોટાં ધક્કા ખાય છે પરંતુ આળસુ સ્ટાફ અરજદારોના કાયદેસરના કામ પણ કરતા નથી. ફરિયાદમાં ઉમેર્યું છે કે આ બાબતે ખુદ મામલતદાર ને પણ વાત કરી..તેમણે પણ હુક્મ કરાવી આપું છું તેમ કહ્યું છતાં પણ મામલતદાર ની ખાત્રીની પણ અમલવારી થતી નથી….ભાજપના વરિષ્ઠ પદાધિકારી અને અગ્રણી પણ મામલતદાર કચેરીથી તોબા પોકારી ગયા હોય તો સામાન્ય અરજદાર કે ઉઘાડપગા ખેડૂતોની સ્થિતિ કેવી થતી હશે…!! તેનો ઉલ્લેખ કરી તાલાલા મામલતદાર કચેરીની પ્રજા વિરોધી નિતીની તુરંત તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પત્રના અંતમાં જીકુભાઈ સુવાગીયા એ માંગણી કરી છે.
