જૂનાગઢ મનપાએ પાણી વિતરણ બંધ કરતા હાઉસિંગ સોસાયટીના લોકોનો મનપામાં હલ્લાબોલ

હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો અંગે મનપાએ નોટિસ ફટકાર્યા બાદ અચાનક પાણી બંધ કરી દીધું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 14માં આવેલા ગુજરાત હાઉસિંગ સોસાયટીને પાણી વિતરણ કોઈપણ જાણ કર્યા વગર બંધ કરી દેવાતા હાઉસિંગ સોસાયટીની મહિલાઓ પોતાના પરિવાર સાથે મનપા કચેરી ખાતે પહોંચી, હલ્લાબોલ કરી, ઉનાળાના ધોમધખતા તાપમાં મનપા એ બંધ કરેલ પાણી વિતરણ સામે ઉગ્ર વિરોધો નોંધાવ્યો હતો. અને તાત્કાલિક પાણી આપવામાં આવે તેવી બુલંદ માંગ કરવામાં આવતા અંતે મનપા કમિશનર દ્વારા હાઉસિંગ સોસાયટીમાં પાણી આપવામાં આવશે તેવી બાહેંધરી આપતા મામલો માંડ શાંત પડ્યો હતો.
જૂનાગઢ મહાનગરમાં વોર્ડ નં. 14માં ગુજરાત હાઉસિંગ સોસાયટી આવેલ આવેલ છે. જે સરકાર દ્વારા નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે વર્ષો પહેલા બનાવવામાં આવી હતી, અને આ સોસાયટીમાં હાલમાં બે થી ત્રણ પેઢીના લોકો અહીં સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ મનપા દ્વારા હાઉસિંગ સોસાયટીના મકાન ધારકોને નોટિસ પાઠવી અમુક બિલ્ડિંગો પાડી નાખવાની અને અમુક બિલ્ડીંગોને સમારકામ કરવા અંગેની નોટિસ પાઠવી હતી.
જે દરમિયાન મહાનગરપાલિકા દ્વારા હાઉસિંગ સોસાયટીમાં અપાતો પાણી પુરવઠો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આવી કાળજાળ ગરમીમાં મનપા દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો અને “પાણી આપો, પાણી આપો”ની માંગ સાથે હાઉસિંગ બોર્ડની મહિલાઓ બાળકો અને પરિવાર સાથે આજે મહાનગરપાલિકા કચેરીએ ઘસી જઈ કમિશનરને તાત્કાલિક પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.
આ સાથે રહીશોએ એવું પણ જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તે અંગે અમો દિવાળી સુધીમાં 50 ટકા જેટલુ સમારકામ કરી નાખીશું, કારણ કે, આ સોસાયટીમાં રહેતા લોકો મધ્યમ અને નબળી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. ત્યારે થોડા થોડા પૈસા બચાવી જરૂરી કામ દિવાળી પહેલા કરી લેશું અને જે લોકો સમારકામ નહીં કરે તેની અમે કમિશનરને લેખિતમાં જાણ કરીશું. પરંતુ હાલમાં ઉનાળાના દિવસો છે અને તે જ સમયે કોઈ પણ જાણ કર્યા વગર મનપા દ્વારા જીવન જરૂરી એવું પાણી બંધ કરી દે તે યોગ્ય નથી માટે અમોને તાત્કાલિક પાણી પૂરું પાડવું જોઈએ. જો કે, બાદમાં મનપા કમિશનર એ હાઉસિંગ સોસાયટીના લોકોની માંગ અંગે સાંજ સુધીમાં હાઉસિંગ સોસાયટીમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવશે તેવી બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો.
કોંગ્રેસ પ્રમુખનું સમર્થન
જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી એ આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં ખૂબ જ મધ્યમ અને નબળા વર્ગના લોકો રહે છે. અને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. પરંતુ આ બિલ્ડીંગ એવી જર્જરીત થઈ ગઈ નથી કે જેને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, છતાં પણ રહીશોએ સમારકામ કરવાની લેખિતમાં બાંહેધરી આપી છે. છતાં પણ મનપા દ્વારા કોઈપણ જાણ કર્યા વગર આવા ઉનાળાના દિવસોમાં પાણી પુરવઠો બંધ કરી દે તો લોકોને પાણી વગર જીવવું કેમ ? તેવો પ્રશ્ન ખડો કરી મનપા દ્વારા હાઉસિંગ સોસાયટીને પાણી વિતરણ નિયમિત અને જોઈતા પ્રમાણમાં પૂરું પાડવું જોઈએ તેમ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ