જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના ખાતામાં અંદાજે રૂ. 600 કરોડથી વધુની સહાય જમા

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22 હપ્તામાં સહાય ચૂકવાઈ

અન્નદાતા ખેડૂતોને કેન્દ્રમાં રાખી અમલમાં મૂકવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના એટલે ’પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. 600 કરોડથી વધુની રકમ જમા થઈ છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2019માં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ હતી. 100 ટકા કેન્દ્ર સહાયિત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 22 જેટલા હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં સરેરાશ આશરે 1.47 લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં અંદાજે રૂ. 600 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. છેલ્લા 22 મા હપ્તાની ચુકવણી પણ માર્ચ-2026માં કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 1.42 લાખ ખેડૂતોના બેંક ખાતામાં સહાય પેટે રૂ. 29.63 કરોડ જમા કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષમાં પાકની ત્રણેય સિઝનને ધ્યાને રાખીને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આમ, વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ રૂ. 6000ની સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેના અવિરતપણે 22 જેટલા હપ્તાની ચુકવણી થઈ ચૂકી છે.
ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમને મદદરૂપ થવા માટે જિલ્લામાં મગફળી, સોયાબીન વગેરે પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકારની સહાયથી કેન્દ્ર સરકારે રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. ઉપરાંત ’નેશનલ ઓઇલ સીડ મિશન’ અંતર્ગત મગફળી, તલ વગેરે તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધે તે માટે બિયારણથી માંડીને તાલીમ સહિતની તમામ સહાય પૂરી પાડવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ