સહી ઝુંબેશને પુર્વ ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ તથા રાજકીય પક્ષના આગેવાનોનું સમર્થન
વિસાવદર શહેરના જાગૃત યુવાનો તેમજ ધારી પત્રકાર સંઘ દ્વારા બુધવારે એક મહત્વપૂર્ણ બિનરાજકીય સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ચલાલા-ધારી-વિસાવદર રૂટ પર મીટરગેજમાંથી બ્રોડગેજ રેલવે સુવિધા મેળવવાનો છે, જેથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળી શકે. આ લડતને સ્થાનિક સ્તરે ખૂબ જ મોટો જનસમર્થન મળ્યો છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના દિલીપભાઈ કાનાબાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ રીબડીયા તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ આ અભિયાનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ લલિતભાઈ ભટ્ટ, વીરુ રીબડીયા તથા કિરણ ચિતલીયા જેવા અનેક યુવાનો તથા નાગરીકો પણ આ લડતમાં સક્રિયપણે જોડાયા છે.
વર્ષોથી રેલવે સુવિધાના અભાવે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. બ્રોડગેજ લાઈન બનવાથી વેપાર-ઉદ્યોગને વેગ મળશે. કનકાઈ અને સતાધાર જેવા પવિત્ર ધામો તેમજ સાસણગીર આવતા પ્રવાસીઓ માટે આ રેલવે લાઈન આશીર્વાદરૂપ સાબિત થશે. આંદોલનકારીઓએ જ્યાં સુધી મીટરગેજનું બ્રોડગેજમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી જંપ ન લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જાગૃત નાગરિક કમલેશભાઈ શિંગાળાના જણાવ્યા અનુસાર, રેલવે વિભાગ દ્વારા આ વિસ્તાર સાથે થઈ રહેલા અન્યાય સામે હવે નવી રણનીતિ ઘડવામાં આવશે. આ સાથે જ સત્તાપક્ષના અધિકારીઓને આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે, જ્યારે વિરોધ પક્ષના આગેવાનોને પણ આ બાબતે સકારાત્મક વલણ અપનાવી સરકાર સમક્ષ પ્રશ્ન રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.
