ઈ.સ. 1956 થી જ્ઞાનસેવાનું કેન્દ્ર બનેલું ગ્રંથાલય આજે પણ વાંચનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ગિરનારની તળેટીમાં વસેલું ઐતિહાસિક શહેર જૂનાગઢ અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાઓ માટે ઓળખાય છે. પરંતુ આ શહેરની એક એવી જગ્યા પણ છે, જ્યાં શાંતિ બોલે છે, પાનાંઓ સંવાદ કરે છે અને સપનાઓને દિશા મળે છે…. તે છે જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ. સવારના કિરણો શહેર પર ફેલાતા હોય ત્યારે ગ્રંથાલયના દ્વાર ખુલતા હોય છે. બહારથી જોતા તે માત્ર એક ઈમારત લાગે, પરંતુ અંદર પ્રવેશતા જ જાણે જ્ઞાનની દુનિયામાં પ્રવેશ થયો હોય તેવી અનુભૂતિ થાય. દિવાલો વચ્ચે ગોઠવાયેલા હજારો પુસ્તકો, અખબારો અને સામાયિકો માત્ર કાગળના પાનાં નથી, પરંતુ અનેક લોકોના ભવિષ્યના માર્ગદર્શક છે. અહીં રોજ અનેક ચહેરાઓ આવે છે. કોઈ સરકારી નોકરી માટે દિવસ-રાત મહેનત કરતો વિદ્યાર્થી, કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોતી યુવા પેઢી, તો કોઈ નિવૃત્ત વડીલ પોતાના જીવનના અનુભવોને પુસ્તકોથી નવી દિશા આપતા જોવા મળે છે. કોઈના હાથમાં ઇતિહાસનું પુસ્તક હોય છે તો કોઈ વિજ્ઞાનના નવા અધ્યાયોમાં ખોવાયેલા હોય છે. આજના ડિજિટલ યુગના ધોમધખતા તાપમાં, મોબાઇલ અને સોશિયલ મીડિયા વચ્ચે જ્યાં વાંચનની આદત ઓછી થતી જાય છે, ત્યાં આ ગ્રંથાલય વાંચન સંસ્કૃતિને જીવંત રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. પુસ્તકના પાનાં ફેરવવાની મજા, નોંધો બનાવવાની ટેવ અને મૌનમાં અભ્યાસ કરવાની એક અનોખી શક્તિ અહીં અનુભવાય છે. ગ્રંથાલયના ઇન્ચાર્જ ગ્રંથપાલ પ્રકાશ મહીડા જણાવે છે કે, ઈ.સ.1956માં સ્થાપિત જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ એ સ્થાપનાકાળથી લઈને આજદિન સુધી સતત વિકાસના સોપાન સર કર્યા છે. સમય સાથે ગ્રંથાલયમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે આજે તે માત્ર પુસ્તકોનો ભંડાર નહીં પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને અભ્યાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન 1000 થી વધુ નવા સભ્યો ગ્રંથાલય સાથે જોડાયા છે, જે વાંચનપ્રેમી જનતાના ગ્રંથાલય પ્રત્યેના વિશ્વાસનું પ્રતિક છે. હાલમાં ગ્રંથાલયમાં 17,000થી વધુ સભ્યો નોંધાયેલા છે તેમજ 60,000થી વધુ વિવિધ ભાષાઓના પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. આમ, જૂનાગઢનું લોકઉપયોગી હેતુ ધરાવતું ગ્રંથાલય બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ માટે જ્ઞાનનું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. અહીં આવનાર દરેક વ્યક્તિ માત્ર વાંચવા જ નથી આવતી; તે પોતાનું ભવિષ્ય ઘડવા આવે છે. અહીં દરેક પુસ્તક એક વિચાર છે, દરેક પાનું એક પ્રેરણા છે અને દરેક દિવસ એક નવી શરૂઆત છે.
