10 હજાર કિ.મીનું અંતર 28 દિવસમાં કાપ્યું
જૂનાગઢના ચાર શ્રદ્ધાળુઓ પ્રતિકૂળ વાતાવરણ, કમોસમી વરસાદ-વાવાઝોડા અને ઉત્તરાખંડમાં પેટ્રોલની કારમી તંગી જેવી અનેક મુશ્કેલીઓ અને તકલીફો બાદ બાઈક પર 10 હજાર કિમી. કાપી, 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી, જૂનાગઢ પહોંચતા ચારેય સાહસિક શ્રદ્ધાળુઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગત 9મી મેના રોજ સોમનાથ મહાદેવના દર્શન કરી, જૂનાગઢના બીપીનભાઈ જોશી, અરજણભાઈ ભાટુ, મહેશ સાંગાણી અને કિશન સાંગાણી નામના 4 શ્રદ્ધાળુઓ બાઈક પર દેશના 12 જ્યોતિર્લિંગોની 10 હજાર કિલોમીટર લાંબી પરિક્રમા કરવા પ્રસ્થાન કર્યું હતું અને 28 દિવસ બાદ આ ચારેય શ્રદ્ધાળુઓ સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરીને જુનાગઢ પરત ફર્યા છે.
યાત્રા અંગે યાત્રિકોએ જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન વિવિધ રાજ્યોની મુસાફરી દરમિયાન પ્રતિકૂળ વાતાવરણ, કમોસમી વરસાદ, વાવાઝોડા તો ઉત્તરાખંડમાં પેટ્રોલની કારમી તંગી જેવી ભારે મુશ્કેલીઓ પડી હતી. વળી, એમાંય કેદારનાથમાં મોંઘા પાર્કિંગને કારણે 8 થી 10 કિમી પગપાળા જવું પડયું હતું. અને દર્શન માટે 8 થી 10 કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. છતાં પણ યાત્રા સુખરૂપ સંપન્ન થઈ એનો આનંદ છે.
નોંધનીય એ છે કે, જૂનાગઢના બીપીનભાઈ જોશી આ રીતે 12 વખત યાત્રા કરી ચૂક્યા છે, અને આ તેમની 13 મી યાત્રા હતી અને આવતા વર્ષે 14 મી યાત્રા કરવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો. જ્યારે મહેશભાઈ સાંગાણી સહિતના મિત્રો બાઈક પર 12 જ્યોતિર્લિંગ યાત્રામાં પ્રથમ વખત જોડાયા હતા.
