જૂનાગઢમાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર: કોંગ્રેસનો આક્ષેપ કમિશનરને 19 મુદાઓ સાથેનું આવેદન; 6 દિવસનું અલ્ટીમેટમ

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ સાથે મનપા કમિશ્નરને 19 મુદ્દાઓનું આવેદન પત્ર પાઠવી, 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
જૂનાગઢ મનપા કમિશનરને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી તથા મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાના લેટરપેડ ઉપર દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે, અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના બિલો ઉધારવામાં આવે છે. તેવા ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢ શહેરમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને પ્રિ-મોન્સૂન કામગીરીના મુદા સહિત મહાનગરને સ્પર્શતા આ આવેદનમાં 19 જેટલા વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા સહિતના કોંગી અગ્રણીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જોષીપુરા અને ઝાંઝરડા અંડરબ્રિજમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. આ બંને અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે મશીનરીની ચકાસણી કરી તે વરસાદ દરમિયાન સતત ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. તે સાથે શહેરના ગટર અને પાણીની લાઈન માટે ખોદાયેલા રસ્તાઓ પર તાત્કાલિક મેટલ નાખી રોલિંગ કરી, વાહન ચલાવવા લાયક રસ્તા બનાવવા અને ભૂગર્ભ ગટરોના ઢાંકણાં સિમેન્ટ રોડ નીચે દબાઈ ગયા છે તેની ચોમાસા પહેલાં સફાઈ કરવવા જણાવ્યું છે. તથા શહેરમાં જોષીપુરા ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવેલ કાચા રસ્તા પર ડામરકામ અને પેચવર્ક કરવા માંગ કરી છે.
આવેદન પત્રમાં વિલિંગ્ડન ડેમનો મુદો ઉઠાવી ડેમ ખાતે સેફ્ટીના સાધનો, જર્જરિત ગ્રીલનું રિપેરિંગ, ડેમ ખાતે સિક્યુરિટી વધારવા તથા ડેમ, ભવનાથ અને દામોદર કુંડમાં પાણીની ઊંડાઈ માપવા માટે સ્કેલ મૂકવા પણ માંગ કરી છે. આ ઉપરાંત, જી. આઈ.ડી.સી. થી દોલતપરા તરફ જતો મુખ્ય રસ્તો અને ગિરનાર દરવાજા થી સેજની ટાંકી તરફના રસ્તાનું પણ તાત્કાલિક લેવલિંગ અને રિપેરિંગ કરવા રજૂઆત કરી છે.
કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા વોકળાની સફાઈ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર દેખાવ ખાતર થાય છે, ત્યારે કમિશનર જાતે સફાઈ કામગીરીનું મોનિટરિંગ કરે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે, તેવી માંગ કરી છે. અને કોંગ્રેસ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને 6 દિવસનું અલ્ટીમેટમ આપી ચીમકી ઉચ્ચારી છે કે, જો આ સમય મર્યાદામાં મનપા દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ