મેંદરડા: સૌની યોજનાની લાઈન પર વાલ્વ મૂકવા રજૂઆત

પાંચ ગામના તળ ઉંચા લાવવા અને 12 ચેક ડેમ ભરવા માંગ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મેંદરડા ગામની જમીન પથરાળ અને ઊંચા વિસ્તારમાં આવેલી હોવાના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો લાંબા સમયથી સિંચાઇના પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યા છે. ગામમાં ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઊંડા ગયા હોવાથી 1000 ફૂટ ઊંડા બોરવેલમાં પણ પાણી ન આવતા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે મેંદરડા ગ્રામ પંચાયત કચેરી અપ અને મહીલા સરપંચ જયાબેન જે ખાવડુ દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર, નવા સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ-2 માં કાર્યરત ઇશ્વરભાઈ પટેલ ને સંબોધીને એક સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર,ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિ સમાન ‘સૌની યોજના’ ની મુખ્ય પાઇપલાઇન હાલમાં દેવગઢ ગામની સીમમાંથી પસાર થઈ રહી છે. આ લાઇન ત્યાં આવેલા ‘સિકોબા’ નામના સ્થાનિક વોકળાને (નાળાને) ક્રોસ કરે છે.
ત્યારે મેંદરડાનાં મહીલા સરપંચ જયાબેન જે ખાવડુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, જો આ પાઇપ લાઇનમાં સિકોબા વોકળા પાસે એક સ્પેશિયલ ‘વાલ્વ’ મૂકવામાં આવે, તો ત્યાંથી છોડવામાં આવેલું પાણી 4 થી 5 કિલોમીટર વહીને પાંચ ગામ જેમાં
દેવગઢ,સમઢીયાળા,અરણિયાળા, મેંદરડા સહિત ગામની સીમમાંથી પસાર થઇને આગળ સાબલી નદીને મળી શકે તેમ છે. આ કુદરતી વહેણના માર્ગમાં અંદાજે 12 જેટલા ચેકડેમ આવેલા છે.
જો સૌની યોજનાનું પાણી આ વોકળા માં છોડાય તો આ તમામ 12 ચેકડેમ પાણીથી છલકાઈ જશે,જેના કારણે આ પાંચેય ગામોની સીમના ભૂગર્ભ જળના તળ ફરી જીવંત (ઊંચા) આવશે. આ યોજનાથી સ્થાનિક ખેડૂતોને સરકારની સૌની યોજનાનો સીધો લાભ મળશે અને સિંચાઇનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે. આ મહત્વની અરજીની નકલ યોગ્ય ઘટતી કાર્યવાહી અર્થે અને વિભાગોને પણ રવાના કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય, કાર્યપાલક ઈજનેર જૂનાગઢ, સિંચાઇ વિભાગ જૂનાગઢ, જિલ્લા પંચાયત સભ્ય સહિતનાઓ ને રજુઆત કરાઇ છે
ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડૂતોને આશા છે કે સરકાર દ્વારા આ લોકઉપયોગી રજૂઆતને ગંભીરતાથી લઈ વહેલી તકે સિકોબા વોકળામાં વાલ્વ મૂકવાની મંજૂરી આપવામાં આવે તો સોનાનો સુરજ ઊગ્યો તેવુ સાબિત થસે

રિલેટેડ ન્યૂઝ