માંગણી મુજબ સમયસર ઉનાળુ પાક માટે પાણી મળતા મબલખ ઉત્પાદનની આશા
તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામ પાસે આવેલ હિરણ-2 ડેમમાંથી તાલાલા અને વેરાવળ તાલુકાનાં 20 ગામોના ખેડૂતોને તેમની માંગણી પ્રમાણે ઉનાળુ ફસલ માટે આઠ પાણી આપવામાં આવતા મબલખ ફસલ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
ડેમ સિંચાઈ સમિતિના સભ્ય અને જાગૃત ખેડૂત અગ્રણી ડી.બી સોલંકી એ આપેલ વિગત પ્રમાણે ઉમરેઠી ડેમમાંથી તાલાલા-વેરાવળ તાલુકાનાં ડેમની બંને કેનાલ આધારિત 20 ગામના ખેડૂતોને ઉનાળુ પિયત માટે ડેમમાંથી નવ પાણી આપવા ખેડૂતોએ માંગણી કરેલ જેના અંતર્ગત ખેડૂતોની માંગણી પ્રમાણે સમયસર આઠ પાણી આપવામાં આવતા અંદાજે 20 ગામની 600 હેક્ટર ખેતિની જમીનને ઉનાળુ સિંચાઈ માટે જબરો ફાયદો થયો…સિંચાઈ માટે ક્રમશ: જરૂરીયાત સમયે પાણી મળતાં ખેડૂતોની કીંમતી ઉનાળુ ફસલ જેવી કે કેરીના આંબા,નાળિયેરી ઉપરાંત અડદ,મગ,તલ વિગેરે કઠોળને જબરો ફાયદો થયો છે પરિણામે ઉત્પાદન પણ મબલખ થયું છે.
સિંચાઈ વિભાગની ખેડૂતલક્ષી કામગીરીને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.20 ગામના ખેડૂતો વતી સિંચાઈ સમિતિના સભ્ય ડી.બી.સોલંકી એ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જયેશભાઈ કારાવદરા,નાયબ ઇજનેર એમ.બી મહેતા,ડેમનો ચાર્જ સંભાળતા સુભાષભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કરી ખેડૂત ઉપયોગી કામગીરીને બિરદાવી છે.
