વંથલી સરકારી ગોડાઉનની અવ્યવસ્થા સામે FPS ના દુકાનદારો ધરણા પ્રદર્શન પર ઉતર્યા

મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી લેખિત ખાત્રી આપતા મામલો થાળે પડ્યો

વંથલી સરકારી ગોડાઉન ખાતે એફ.પી.એસ દુકાનદારોએ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈ ધરણા પ્રદર્શન કરી વિરુદ્ધ નોંધાવ્યો હતો. દુકાનદારોનો આક્ષેપ છે કે સરકારી ગોડાઉન માંથી સમયસર અનાજનો જથ્થો આપવામાં આવતો નથી, જેના કારણે ગરીબ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે આ મામલે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે ના છૂટકે 38 ગામોના દુકાનદારોએ એકત્ર થઈ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ દરમિયાન સરકારી ગોડાઉનની વ્યવસ્થા ને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. ગોડાઉનની મુલાકાત દરમિયાન સ્વચ્છતા નો અભાવ જોવા મળ્યો હતો. ગોડાઉન વિસ્તારમાં મરેલા ઉંદરોના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.. ઉપરાંત ગરીબોને વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થામાં મિક્સ ઘઉં અને ચોખા જોવા મળતા વિતરણ વ્યવસ્થા અને સ્વચ્છતાના અભાવને કારણે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલ જવાબદાર અધિકારીઓ દ્વારા તમામ પ્રશ્નોનો હલ કરવાની ખાતરી આપતા હાલ પૂરતા વેપારીઓએ ધરણા સમાપ્ત કર્યા છે પણ આગામી સમયમાં કોઈ નિરાકરણ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

રિલેટેડ ન્યૂઝ