માંગરોળના શેરીયાજ બારામાં ખુંટીયાએ 5 ને હડફેટે ચડાવ્યા : 1 મહિલાનું મોત

માંગરોળના શેરીયાજ બારા ગામે ગઈકાલે એક ખૂંખાર બનેલ ખુંટીયાએ જાણે આંતક મચાવ્યો હોય તેમ 5 લોકોને હડફેટે ચડાવી ઇજા ગ્રસ્ત કર્યા હતા જે પૈકી એક 1 મહિલાને ગંભીર ઇજા થતા તેણીનું કરૂણ મોત થયું હતું.
ગઈકાલે સવારના અરસામાં માંગરોળ તાલુકાના બંદર શેરીયાજ બારા વિસ્તારમાં એક ખૂંટિયો રઘવાયો થયો હતો, અને ગામમાં રખડતા કુતરા, બકરા તથા પશુઓને મારવા ખૂંખાર બની તેની પાછળ દોટ મુકતો હતો. આ દરમ્યાન જીલુબેન કાદરભાઈ લુચાણી (ઉ.વ.45) ને ખુંટીયાએ માથું મારી પછાડી દેતા, મહીલાને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે, આ દરમિયાન ખૂંટિયા એ અન્ય ચારેક લોકોને પણ હડફેટે લઈ ઇજા ગ્રસ્ત કરી દેતા શેરીયાજ બારીમાં ભારે અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં ખૂંખાર બનેલા ખુટિયાના વાવડ મળતા, ગામ લોકો એકઠા થયા હતા, અને ઈજાગ્રસ્તોને માંગરોળ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીલુબેનને મૃત જાહેર કર્યા હતા.
સોમવારે બે આખલા વચ્ચે યુદ્ધ થયું
ગામ લોકોના જણાવ્યા મુજબ, બંદર વિસ્તારમાં રખડતા પશુઓની સાથે ખુંટીયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને હજુ સોમવારે સાંજે બે આખલા સામસામે આવી ગયા હતા, અને બાખડતા બાખડતા બને ગટરમાં પડી ગયા હતા. જો કે, ગામના લોકોએ જેસીબીમાં દોરડા બાંધી બન્ને આખલાઓને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ