સાયબર ક્રાઇમ કરતા તત્વો એ બદમાશીની હદ વટાવી હવે જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોષીના નામે વ્હોટ્સઍપ્પ પર ફેક પ્રોફાઈલ બનાવી ડિજિટલ છેતરપિંડીનો મોટો પ્રયાસ કરાયો છે, સદનશીબે આ અંગેની જાણ થઈ જતા, મનપા કમિશનર એ અજાણ્યા શખ્સ સામે સત્તાવાર પોલીસ ફરિયાદ કરતા સાયબર સેલ એક્શનમાં આવી ગયું છે.
સાયબર ક્રાઈમ કરનારા કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો એ બેફામ બની, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષીના ફોટા અને નામનો દુરુપયોગ કરીને ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ અંગે જાણવા મળેલ વિગતો મુજબ, કોઈ અજાણ્યા શખ્સ એ વોટ્સએપ એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચરમાં જુનાગઢ મનપાના કમિશનર પ્રભવ જોષીનો કોટો કોટ કરી, પોતે જૂનાગઢ મનપાના કમિશનર છે તેવો ખોટો દેખાવ કરીને આ ગઠિયા દ્વારા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મનપાના કર્મચારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટા મેસેજ મોકલીને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ગંભીર બાબતની મનપા કમિશનર ને જાણ થતા જ, ખુદ કમિશનર પ્રભવ જોષી દ્વારા અજાણ્યા ઇસમ સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. અને તકદબાજ શખ્સ સુધી પહોચવા પોલીસ એકશન મોડમાં આવી છે. અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા ટેકનિકલ સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દરમિયાન આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ જૂનાગઢ મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા એક અખબારી યાદી જારી કરવામાં આવી છે અને જાહેર જનતા જોગ એક અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના માન.મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષીના ફોટા અને નામનો દુરુપયોગ કરીને કેટલાક અજાણ્યા અને અસામાજિક તત્વો દ્વારા ડિજિટલ છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પોતાના વોટ્સએપ એકાઉન્ટની પ્રોફાઈલમાં કમિશનરનો ફોટો સેટ કરી,પોતે જ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર છે તેવો ખોટો દેખાવ (ઈંળાયતિજ્ઞક્ષફશિંજ્ઞક્ષ) કરીને અન્ય વ્યક્તિઓ તેમજ અધિકારીઓને ખોટા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને કમિશનર પ્રભવ જોષી દ્વારા આ બાબતે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે,
જેથી જૂનાગઢ મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર જનતા, વેપારીઓ, તમામ નગરજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે, આવા કોઈપણ શંકાસ્પદ વોટ્સએપ મેસેજ કે ફોન કોલ પર ભરોસો કરવો નહીં. કમિશનરના નામે કે તેમના ફોટાવાળા કોઈ અજાણ્યા નંબર પરથી જો કોઈ પણ પ્રકારની આર્થિક મદદ, નાણાકીય લેવડદેવડ કે સત્તાવાર કામ અંગે દબાણ કરવામાં આવે, તો તેનાથી ભ્રમિત ન થવા અને આવી છેતરપિંડીથી સાવચેત રહેવા વિનંતી છે. જો કોઈ નાગરિકના ધ્યાનમાં આવો કોઈ શંકાસ્પદ નંબર કે મેસેજ આવે, તો તુરંત જ તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સાયબર હેલ્પલાઈન પર કરવા નમ્ર વિનંતી છે.
