ગુજરાત સરકારે રૂ. 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી કાયાપલટ કરી
ગરવા ગિરનારની ગોદમાં આવેલો અને ઇતિહાસની અગણિત ઘટનાઓનો સાક્ષી રહેલો ઉપરકોટનો કિલ્લો આજે સદીઓ પછી પણ અડીખમ છે. આ કિલ્લાના બદલાયેલા રંગ-રૂપે પ્રવાસીઓને એટલા જ ઘેલા કર્યા છે, જેના પરિણામે વીતેલા આશરે અઢી-પોણા ત્રણ વર્ષના સમયગાળામાં જ 17.50 લાખથી વધુ પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઇ ઇતિહાસને નજીકથી માણી ચૂક્યા છે.
ઉપરકોટના કિલ્લાની ઐતિહાસિક ઝાંખી કરાવતા બહાઉદ્દીન વિનયન કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. ભરત રાઠોડ જણાવે છે કે, ઉપરકોટ ગુજરાત જ નહીં સમગ્ર ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે બીજી-ત્રીજી સદીમાં નિર્માણ પામેલ ઉપરકોટના કિલ્લાનું મૌર્ય શાસકોએ નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે અનેક શાસકોનું આ કિલ્લા પર આધિપત્ય રહ્યું. તેમાં વલ્લભીના મૈત્રકો, ચુડાસમા તથા રા’ વંશ, મહંમદ બેગડો અને અંતમાં મુઘલ સામ્રાજ્યના પતન પછી બાબી વંશના શાસકોએ ઉપરકોટથી પોતાનું વહીવટી મથક ચલાવ્યું હતું.
ઉપરકોટનો કિલ્લો, અડી-કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટના નવીનીકરણ દરમિયાન મળી આવેલી લશ્કરી વાવ વગેરે ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂનાઓ છે.
ઉપરાંત ઉપરકોટ કિલ્લામાં નીલમ અને માણેક સહિતની અનેક પૌરાણિક તોપો, રાણકદેવીનો મહેલ, જેવા અનેક ઐતિહાસિક યાદોને અમર રાખતા સ્મારકો, જગ્યાની સાથે બૌદ્ધ ભિક્ષુઓની તપસ્યાઓની સાક્ષી એવી દર્શનીય બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે, જે ઉપરકોટના કિલ્લાને વૈવિધ્ય બક્ષે છે.
ઉપરકોટ કિલ્લાના સંચાલકીય વડા રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, ઉપરકોટ કિલ્લો નવીનીકરણ પામ્યા બાદ ખૂબ મોટા બદલાવ આવ્યા છે. પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધાઓ વધવાની સાથે નવા આકર્ષણો ઉમેરાયા છે. તેના પરિણામે જ લગભગ અઢી વર્ષના ટૂંકા ગાળામાં 17.50 લાખ પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે. લગભગ 62 એકરમાં ફેલાયેલા આ વિશાળ કિલ્લાને માણવા માટે ગાઈડ સર્વિસથી માંડીને ગોલ્ફ કાર્ટ, સાયકલિંગ, પીવાના પાણી, ફૂડ, શૌચાલય સહિતની સુવિધાઓ પ્રવાસીઓને મળી રહે છે. અહીં વર્ષ દરમિયાન જુદી-જુદી 30 થી 40 જેટલી નાની-મોટી ઇવેન્ટ યોજાય છે.
