ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીને પણ અમરેલી એસ.ટી. ડિવિઝન ગણકારતુ નથી
કોડીનાર ની એસટી સુવિધા વધે તેમા અમરેલી એસટી વિભાગને બિલકુલ રસ નથી એ વાત જગજાહેર છે જ્યારે જ્યારે કોડીનાર થી નવા બસ રૂટોની માંગણી કરવામાં આવે ત્યારે તાલુકાની જનતાને એક જવાબ અપાય છે સ્ટાફ શોર્ટેઝ. છેલ્લા પચ્ચીસ વર્ષથી કોડીનાર ડેપોના એકપણ નવો રૂટ આપવામાં આવ્યો નથી. ઊલટાનું સારી આવક આપતા તથા લોકોને ઉપયોગી એવા સતર બસ રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે. તાલુકાની જનતાએ કોડીનાર ના જાગૃત ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી શ્રી ડો પ્રધ્યુમનભાઈ વાઝા સાહેબને આ બાબતે ધ્યાન દોરતા તેઓએ ખાસ રસ લઈ કોડીનાર-અંબાજી મુળદ્વારકા-બેટદ્વારકા કોટડા-ઓખા કોટડા-જખૌબંદર જેવા બસ રૂટો શરૂ કરવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરેલ જે પૈકી કોટડા-ઓખા અને કોટડા-જખૌબંદર બસ રૂટો મંજૂર પણ થઈ ગયા. જેમાં કોટડા-ઓખા બસનું ધામધૂમથી ઉદઘાટન થયું. કોટડા માઢવડ વેલણ માલશ્રમ વગેરે ગામોમાં આ બસનું સ્વાગત પણ કરવામાં આવ્યું. માછીમારીની સીઝન હાલમાં બંધ હોવા છતાં પણ આ બસ સારા ટ્રાફિક સાથે દોડવા મંડી. પણ કોડીનાર પ્રત્યે ભેદભાવ ધરાવતા અમરેલી વિભાગને આ ગમ્યું નહીં. અને માત્ર દશ જ દિવસમાં સ્ટાફ શોર્ટેઝ ના બહાને આ બસ બંધ કરી દીધી. જ્યારે બીજી તરફ એસટી નિગમે છેલ્લા છ મહિનામાં સિતેરથી વધુ નવા નવા બસ રૂટો શરૂ કર્યા છે. જેમાં ઊતર અને મધ્ય ગુજરાત થી અંબાજી સુન્ધામાતા નડાબેટ ખાટુશ્યામજી ડાકોર જેવા ધાર્મિક અને પર્યટન સ્થળો. અરે ખુદ અમરેલી વિભાગ દ્વારા છેલ્લા છ માસમાં ધારી-નાથદ્વારા અમરેલી-અંબાજી બગસરા-વડોદરા સાવરકુંડલા-ગાંધીનગર સાવરકુંડલા-કૃષ્ણનગર રાજુલા-ઓખા રાજપરા બંદર-ઓખા જેવા તદન નવા બસ રૂટો શરૂ કર્યા છે.કોડીનાર તાલુકાની ગામડાની જનતા માટે ધારાસભ્ય દ્વારા કોડીનાર-ડોળાસા વાયા વિઠ્ઠલપુર જમનવાડા ફાફણી બસ પણ શરૂ કરાવી હતી. જે બસને પણ ઓછી આવકના રૂપાળા બહાને કોડીનાર એસટી સતાવાળાઓ એ એક મહિનો સંચાલન કરી કાયમી ધોરણે બંધ કરેલ છે. જંગલ માર્ગે ચાલતી કોડીનાર અમરેલી વાયા જામવાળા ધારી બસ સેવા પણ આ વર્ષે અનેક રજૂઆત પછી પણ શરૂ કરેલ નથી. જ્યારે બીજી તરફ કોડીનાર ડેપો દ્વારા જુનાગઢ મહુવા ઊના દિવ જેવા બિનજરૂરી બસ રૂટો નું મરજી મુજબ સંચાલન કરવામાં આવે છે. ત્યારે ધારાસભ્ય ના આદેશને પણ ઘોળીને પી જતાં કોડીનાર ના એસટી તંત્ર ને કોણ સુધારશે એતો ભગવાન જાણે.
