કેશોદમાં એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું

પોલીસે કુટણખાનાની સંચાલિકા સહિત 4 ને ઝડપી રૂા. 67,100નો મુદ્દામાલ કબ્જે કર્યો

કેશોદ શહેરના રહેણાંક વિસ્તારમાં ધમધમતા કુટણખાનાનો કેશોદ પોલીસે પર્દાફાશ કર્યો છે, અને બોગસ ગ્રાહક મોકલી પોલીસે રેડ કરી, મોજ કરવા ગયેલા 3 શખ્સોને ઝડપી પાડવાની સાથે સ્થળ પરથી વાંધાજનક વસ્તુઓ, 4 મોબાઈલ, રોકડ રૂપિયા સહિત કુલ રૂ. 67,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તે સાથે હાજર નહીં મળી આવેલ કુટણખાનાની સંચાલિકાને પણ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના મુજબ અનૈતિક પ્રવૃત્તિ નાબૂદી અભિયાન અંતર્ગત કેશોદ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી નીલેશ ધાધલીયાના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સતત પ્રયત્નશીલ હતી. જે દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર. એમ.ડી. મકવાણાને બાતમી મળેલ કે, કેશોદના ઉમિયા નગર સોસાયટીમાં આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે, બ્લોક નં. 401 માં રહેતી જ્યોતીબેન અમરદાસ મેસવાણીયા પોતાના કબ્જા ભોગવટાના ફ્લેટમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવે છે. જેથી બાતમીની ખરાઈ કરવા પીએસઆઈ. મકવાણાએ પો. હેડ કોન્સ. પી.જે. ડાભીને બોગસ ગ્રાહક તરીકે મોકલેલ. બોગસ ગ્રાહકે સ્થળ પર જઈ દલાલ શ્યામભાઈ મારફતે રૂ. 500 આપી રૂમમાં પ્રવેશ કરતા જ વોચમાં રહેલી પોલીસ ટીમે રેડ કરતાં શ્યામભાઈ રમેશભાઈ મકડીયા (ઉમર વર્ષ 24, રહેવાસી એન.પી. કોલેજ રોડ, ઇન્દીરા નગર, કેશોદ), દ્રુમીત દિપકભાઈ વખેચા (ઉમર વર્ષ 21, રહે. આલપ કોલોની, માંગરોળ રોડ, કેશોદ), યુનુસ હુસૈન ચુવા (ઉ.વ. 38, રહે. બંદરઝાપા, ચોલવાવ, માંગરોળ) મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા, તે સાથે કેશોદ પોલીસ એ ઘટના સ્થળેથી, વાંધાજનક વસ્તુઓ, મોબાઈલ ફોન 4 નંગ, રોકડ રકમ રૂ. 27,100 મળી કુલ રૂ. 67,100 નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની આ રેઇડ દરમિયાન કુટણખાનું ચલાવનાર જ્યોતીબેન અમરદાસ મેસવાણીયા (ઉ.વ. 43) હાજર મળી આવેલ ન હતી. પરંતુ તપાસ દરમિયાન ફ્લેટમાંથી બે સ્ત્રીઓ પણ મળી આવેલ હતી, દરમિયાન પોલીસે હાજર નહીં મળી આવેલ મુખ્ય સંચાલિકા જયોતિબેન મેસવાણીયાને ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફતે લોકેશન મેળવી ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધી હતી.
આ ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેકટર એમ ડી મકવાણા ચલાવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી મળી આવેલી યુવતીઓની પૂછપરછ દરમિયાન જો તેને ગોધી રાખવાની કે કેદ રાખવાની હકીકત બહાર આવશે તો આરોપી મહિલા સામે ગુનાની અન્ય કલમોનો ઉમેરો થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ