જૂનાગઢ જિલ્લામાં મોહરમ તહેવારને અનુલક્ષીને વિવિધ જાહેરનામું પ્રસિદ્ધ

અધિક જિલ્લા મેજસ્ટ્રેટે કાયદો, વ્યવસ્થા અને જાહેર સુલેહશાંતી જાળવવા કરી અપીલ

જૂનાગઢ જિલ્લામાં મોહરમના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા લોકોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજસ્ટ્રેટ બી.એસ.બારડે તેમને મળેલ સત્તાની રૂએ જરૂરી વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી આદેશ જારી કરેલ છે.
જિલ્લા મેજસ્ટ્રેટ બી.એસ. બારડે બહાર પાડેલ જાહેરનામાં મુજબ, તાજીયા ઝુલુસ માટે તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા, ફેરવવા માટે પરવાનગી અગાઉથી મેળવવી પડશે. પરવાનગી મેળવનાર શખ્સ પોતે તેમના તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા સાથે ફરતી મંડળીના સરઘસના કારણે ફરતા માણસોની વર્તુણુક અને સુલેહ શાંતિ ભરી રસમો માટે તે પોતે જવાબદાર રહેશે. અને અપાયેલ પરવાનગીમાં દર્શાવેલ માર્ગને આધીન રહીને પરવાનગી મેળવનાર પોતાના તાજીયા, પંજો, ડોલી, હાથી, ઘોડા સરઘસમાં ફેરવી શકશે. શહાદતની રાત્રે સાંજના પાંચ અને બીજા દિવસની સવારના બે વાગ્યા દરમ્યાન સરઘસ ફેરવી શકાશે. તાજીયા દરમિયાન દફન અને ઠંડા કરવાના દિવસે બપોરના 2.30 થી બીજા દિવસના સવારના 06 કલાક સુધી સરઘસ અને તાજીયાની ક્રિયા પૂરી કરવાની રહેશે. આ હુકમનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ સાથે પરાપૂર્વથી ચાલતા આવેલ અને પરવાનગીમાં દર્શાવેલ ક્રમ પ્રમાણે પોલીસ અધિકારીઓ દ્વારા દર સાલના આધારે આપેલ અનુક્રમ નંબર એક પછી એક લાઈનમાં ચાલવાનું રહેશે. કોઈપણ શખ્સે તલવાર, ખંજર, સોટી, લાકડી કે ભાલા કે તેવા પ્રકારના કોઈપણ હથિયાર તથા બીજા કોઈ પણ પ્રકારના હથિયાર લઈને ફરવું નહીં. મોહરમમાં ભાગ લેનાર શખ્સોએ બીજા કોમના સ્વાંગ વેષો કાઢવા નહીં. ઇતર કોમના ધર્મની લાગણી દુભાઇ, દુશ્મનાવટ ઊભી થાય, સુલેહશાંતિનો ભંગ થાય તેવા કૃત્ય કરવા નહીં. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા. 27/06/2026 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેતપુર શહેરના તાજીયા ટાઢા કરવા માટે જૂનાગઢ જિલ્લાની હદમાં પ્રવેશવા પર પ્રતિબંધ કરાયો છે.
ટ્રાફિક નિયમનનું જાહેરનામું
ગિરનાર દરવાજા અને જવાહર રોડ તરફથી આવે તે સેજની ટાંકીથી દિવાનચોક તરફનો પ્રવેશ બંધ, જગમાલ ચોકથી દિવાન ચોક તરફ વાહનોની પ્રવેશબંધી, સુખનાથ ચોકથી સંઘાડીયા બજાર તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, જગમાલ ચોકથી માંડવી ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, છાયા બજારથી દીવાન ચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, માલીવાડાથી દિવાનચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, તથા દાણાપીઠથી સર્કલ ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, ચિતાખાના ચોક થી ઢાલ રોડ તરફ આવવા માટે વાહનોની પ્રવેશબંધી તા. 25-06-2026 નાં સાંજે 4.00 કલાક થી તા. 27-06-2026નાં સવારના 7.00 કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ