મીતડી રોડથી સીનેમા રોડનું કામ દોઢ મહિનાથી અધુરૂ : વાહન ચાલકોને ભોગવવી પડતી હાલાકી
માણાવદરમાં ચોમાસામાં જ રસ્તાના અધુરાકામથી લોકોમાં રોષ ફેલાયો છે. મીતડી રોડથી સિનેમા રોડનું કામ દોઢ મહિનાથી અધુરૂ રહેતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે રોડનું કામ પુર્ણ કરવા નગરજનોએ માંગ કરી છે.
માણાવદરમાં મીતડી દરવાજાથી સિનેમા રોડ ઉપર ચોમાસા ટાણે જ છેલ્લા દોઢ મહીનાથી આશરે દોઢ ફુટ ઉંડુ ખોદાણ કરી મુકી દેવામાં આવ્યું હતું. આવી બેદરકારી પાલીકા દ્વારા થતા આમ જનતા ફિટકાર વરસાવી રહી છે. સ્થળ ઉપર પાલીકાના જવાબદાર દેખાતા નથી. આ રોડ ખોદી નાખતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. તો આ રસ્તા ઉપરથી કેશોદ તરફ અને ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. બસો, ટ્રકો, ગાંસડી ભરેલા મોટા વાહનો, સાંકડા રસ્તામાંથી નીકળી શકે તેમ નથી. ઉપરની સીનેમા ચોકમાં રોડ કામ ચાલુ હોય બધી બાજુના રસ્તા બંધ થતા પ્રજામાં રોષ ભભુકી ઉઠયો છે. તાકીદે આ રોડનું કામ પુર્ણ કરવા લોકમાંગ ઉઠી છે.
