જૂનાગઢમાં બેદરકાર કોન્ટ્રાકટરને રૂા. 1.રપ લાખનો દંડ ફટકારતું તંત્ર

જોષીપરા ફાટક બ્રિજના ડાયવર્ઝન રોડ પર ડામર કામ નહી કરનાર કોન્ટ્રાકટર સામે મ્યુનિ. કમિશનર લાલઘૂમ

જૂનાગઢ શહેરમાં ચાલતા વિકાસ કામોમાં કોન્ટ્રાકટરો દ્વારા ચલાવાતી લાલિયાવાડી અને બેદરકારી સામે મનપા કમિશનર લાલઘૂમ થયા છે અને કડક કાર્યવાહી હાથ ધરાવી બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરને રૂ. 1,25,000 નો દંડ ફટકાર્યો છે.
જૂનાગઢ શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ જોષીપરા ફાટક પાસે રોડ ઓવર બ્રિજની ચાલી રહેલી કામગીરી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક કડક પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર મીરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અમદાવાદ) દ્વારા ડાયવર્ઝન રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા મનપા તંત્ર દ્વારા રૂ. 1,25,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મનપાની યાદી મુજબ, આ બ્રિજની કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ પર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે પરત્વે સ્થાનિકો અને વાહનચાલકો તરફથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ધ્યાને લઈ મનપા કમિશનર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ મીટિંગમાં કોન્ટ્રાક્ટરને ડાયવર્ઝન રોડ પર ડામર કામની કામગીરી તા:20/06/2026 સુધીમાં અચૂક પૂર્ણ કરવા લેખિત આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં, નિયત સમયમર્યાદા વીતી જવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી ડાયવર્ઝન રોડ પર ડામરની કામગીરી કરવામાં આવી નથી. જે પરત્વે કમિશનર પ્રભવ જોષી દ્વારા કોન્ટ્રાક્ટરના જમા કરાવવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝીટ માંથી રૂ. 1,25,000 ની રકમ દંડ પેટે વસૂલ કરવાનો આદેશ કર્યો છે.
આ સાથે જ મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે કે, ડાયવર્ઝન પર ડામર કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે, અન્યથા ટેન્ડરની શરતો મુજબ ટેન્ડર ક્લોઝ કરવા સહિતની આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ