જુનાગઢ નજીકથી સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો

વન તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તપાસ આદરી

  જુનાગઢ શહેર નજીકથી આજે આશરે 7 થી 8 માસના એક નર સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દ્વારા સિંહ બાળના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. આ સાથે સિંહના મોતમાં કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા સાથે વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.   હજુ ગણતરીની કલાકો પહેલા જ જૂનાગઢ શહેરના ભાગોડે એક સિંહ બાળ આવી ચડ્યું હતું અને પાણીની કે શિકારના શોધમાં કૂવામાં ખાબક્યું હતું. પરંતુ સ્થાનિક અગ્રણીની સાવચેતી અને વન વિભાગના સફળ રેસ્કયુથી સિંહ બાળને બચાવી લેવાયું હતું. ત્યારે જ જુનાગઢ શહેર નજીકથી આશરે 7 થી 8 મહિનાના નર સિંહ બાળનો મૃતદેહ મળી આવતા, સિંહ પ્રેમીઓ વ્યથિત બન્યા છે. બીજી બાજુ વન વિભાગ એ આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ, જૂનાગઢના ડુંગર (દક્ષિણ) રેન્જમાં જુનાગઢ શહેર નજીક આવેલ રબારી નેસ વિસ્તારમાં આજે આશરે 7 થી 8 માસના નર સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની વન વિભાગને જાણ થતા વન વિભાગના અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સિંહ બાળને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવેલ. જ્યાં ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા મૃત સિંહ બાળનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં સિંહબાળના કપાળ અને પાછળના પગના ભાગે ગંભીર શારીરિક ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અને આ રિપોર્ટના આધારે સિંહ બાળ પર હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પોસ્ટમોર્ટમના આ રિપોર્ટને વન વિભાગ એ ખૂબ જ ગંભીરતાથી લઈને આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. તથા વન તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી, સિંહ બાળના હત્યારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ