સિંહબાળની હત્યા કરી આરોપીએ મોબાઈલ બંધ કરી દીધો
જૂનાગઢના ગણેશનગર નજીક આવેલ રબારી નેસ નજીકની ઝાડી-ઝાંખરામાંથી મળી આવેલ 6 થી 8 માસના એક સિંહબાળમાં મૃતદેહ બાદ વન વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈ સિંહબાળનું પોસ્ટમોર્ટમ કરાતા પ્રાથમિક રિપોર્ટમાં સિંહ બાળાનું મૃત્યુ માનવસર્જિત હોવાનું સામે આવતા. વન તંત્ર દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા રબારી નેસમાં રહેતો એક શખ્સ શંકાના દાયરામાં આવતા તેની વિરૂદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી શકમંદની શોધખોળ આદર્યા બાદ વન વિભાગે આરોપીને પોરબંદર જિલ્લા માંથી દબોચી લીધો હતો.
આ ગંભીર ઘટના અંગે વન તંત્રના ડીસીએફ અક્ષય જોષીના જણાવ્યા મુજબ, વન વિભાગની ટીમ દ્વારા જીણવટભરી તપાસ અને 3 લોકોની પૂછપરછ હાથ ધરાઈ હતી. જે દરમિયાન રબારી નેસમાં રહેતા પુનાભાઈ ચાવડાના ઘરની તપાસ કરતા મહત્વની કડીઓ અને પુરાવાઓ મળી આવ્યા હતા. અને પ્રાથમિક તપાસમાં સિંહબાળને પુનાભાઈના પુત્ર બાવન ચાવડાએ મોતને ઘાટ ઉતાર્યુ હોવાનું સામે આવ્યું છે, જે શકમંદ બાવન ચાવડા ઘટના બાદથી ફરાર હતો. અને વન વિભાગે શકમંદ આરોપી સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની સેક્શન 9 મુજબ ગુનો નોંધી આરોપી શખ્સને ઝડપી લેવા તપાસ આદરી હતી.
આ ઘટના બાદ આરોપી બાવન પુનાભાઈ ચાવડા મોબાઈલ બંધ કરી નાસી છૂટ્યો હતો, અને આ આરોપીને પકડી પાડવા માટે વન વિભાગની ત્રણ અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન આ આરોપી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા માંથી મળી આવતા આરોપીને જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપી એ સિંહ બાળની હત્યા કરી હોવાનું અને આ અગાઉ અનેક કુતરા તથા સાપોને પણ મારી નાખ્યા હોવાની કબુલાત કરી છે.