ગીર સોમનાથ જિલ્લામાં પારિવારિક વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં 181 અભયમ્ ટીમની સરાહનીય કામગીરી

નિષ્પક્ષ કાઉન્સેલિંગ અને સંવેદનશીલ અભિગમ દ્વારા પ્રેમલગ્નના વિવાદમાં સુખદ ઉકેલ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાંથી એક યુવકે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે, પરંતુ બંને પરિવારોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેની પત્ની પર છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન અને સમાધાન માટે 181 અભયમ્ ટીમની મદદ માંગવામાં આવી હતી.જાણ થતાં જ વેરાવળ 181 અભયમ્ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કાઉન્સેલર અંજના દાફડા અને મહિલા પોલીસ પ્રવિણાબેન ગોહિલે યુવતી સાથે એકાંતમાં વાતચીત કરી સમગ્ર હકીકત જાણી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક અને યુવતીએ લગભગ પાંચ મહિના પહેલાં પરિવારની જાણ બહાર રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ સાથે રહેતા ન હતા. બાદમાં યુવકે લગ્નનું પ્રમાણપત્ર યુવતીના માતા-પિતાને બતાવી લગ્નની જાણ કરતાં બંને પરિવારોમાં વિવાદ સર્જાયો હતો. યુવક અને યુવતી કૌટુંબિક સંબંધે મામા-ભાણેજ થતા હોવાથી બંને પરિવારો આ સંબંધ સ્વીકારવા તૈયાર ન હતા.અભયમ્ ટીમે બંને પક્ષના વડીલો તેમજ યુવક-યુવતીનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ સ્પષ્ટ જણાવ્યું કે તે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ નહીં, પરંતુ પોતાની સ્વેચ્છાએ અને પરિવારની લાગણીઓને માન આપી આ લગ્ન આગળ ન વધારવાનો નિર્ણય લઈ રહી છે. ત્યારબાદ યુવકને પણ પરિસ્થિતિ સમજાવવામાં આવી. લાંબા સમય સુધી થયેલા કાઉન્સેલિંગ બાદ યુવકે પણ પરિસ્થિતિને સ્વીકારી પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. અંતે બંનેએ પરસ્પર સમજણ અને પરિવારની સહમતિને પ્રાધાન્ય આપીને કાયદેસરની પ્રક્રિયા દ્વારા છૂટાછેડા લેવા માટે સંમતિ વ્યક્ત કરી. સમયસર હસ્તક્ષેપ, નિષ્પક્ષ કાઉન્સેલિંગ અને સંવેદનશીલ અભિગમ દ્વારા 181 અભયમ્ ટીમે આ પારિવારિક વિવાદનો શાંતિપૂર્ણ અને સમજદારીભર્યો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિલેટેડ ન્યૂઝ