જૂનાગઢના ટીંબાવાડીમાં અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતા વિભાગનો શુભારંભ

પ્રથમ સફળ નોર્મલ ડિલિવરી સાથે તંદુરસ્ત બાળકનો જન્મ

જૂનાગઢના નાગરિકોને સ્થાનિક સ્તરે જ શ્રેષ્ઠ અને ઓછા ખર્ચની તબીબી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી મહાનગરપાલિકા હસ્તક કાર્યરત અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટીંબાવાડી ખાતે આજરોજથી પ્રસૂતા વિભાગની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ વિભાગના પ્રારંભની સાથે જ હોસ્પિટલના નામે એક મોટી સફળતા પણ નોંધાઈ છે, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ પ્રસૂતિ ખૂબ જ સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
આ નવજાત શિશુનો જન્મ આજે બપોરે 02:49 વાગ્યે અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પર હાજર મેડિકલ ઓફિસર ડો.મિરલ, ડો.ધર્મેશ, ડો. હિરેન, એન.પી.એમ. સ્ટાફ તેમજ ફરજ પરના તમામ સ્ટાફ નર્સની સીધી દેખરેખ અને ચોકસાઈપૂર્વક નોર્મલ પ્રસૂતિની પ્રક્રિયા દ્વારા થયો હતો. તબીબના જણાવ્યા મુજબ, હાલમાં માતા તેમજ નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે. આ પ્રસંગે પ્રસુતા માતા દિપીકાબેન કિશનભાઈ દરબાર દ્વારા પોતાનો આનંદ અને હોસ્પિટલ પ્રત્યેનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારી કેન્દ્રમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને સારી સંભાળ મળી છે.

રિલેટેડ ન્યૂઝ