ઘેડ પંથકના 12 રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ કામગીરી શરૂ થશે
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે બંધ થયેલા 40 રસ્તાઓ પૂર્વવત થયા છે.
જિલ્લા પંચાયત કચેરીની બાંધકામ શાખા દ્વારા મળતી વિગતો મુજબ, અતિભારે વરસાદના કારણે જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, વંથલી અને માણાવદર તાલુકાના કુલ 52 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ તાલુકાઓ પૈકી કેશોદ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વરસાદના કારણે વધુ નુકસાન નોંધાયું છે. આ બંધ રસ્તાઓને ફરીથી ચાલુ કરવા માટે કાર્યપાલક ઇજનેરના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગની કુલ 12 ટીમો સતત કાર્યરત છે. આ ઉપરાંત જુદા જુદા તાલુકાઓમાં કુલ 5 એજન્સીઓને જેસીબી મશીન તેમજ અન્ય જરૂરી મશીનરી સાથે કામગીરીમાં જોડવામાં આવી છે. તમામ ટીમો દ્વારા રસ્તાઓ પર સતત કામગીરી કરીને નાળામાં ફસાયેલા ઝાડી-ઝાંખરા સાફ કરવા, તૂટેલા રસ્તા કે બ્રીચ થયેલા ભાગોમાં મટીરીયલનું પુરાણ કરવું તેમજ રસ્તા પર જમા થયેલી માટી અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુન:સ્થાપિત કરવા માટેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
આ સઘન કામગીરીના પરિણામે 52 પૈકી કુલ 40 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલા 12 રસ્તાઓ ઘેડ વિસ્તારના હોવાથી ત્યાં હાલ પાણી ફરી વળવાને કારણે ઓવરટોપિંગ લીધે બંધ છે. આ રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ જરૂરી કાર્યવાહી કરીને તેને પણ શરૂ કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
