મનપા કમિશ્નરે કડક પગલા ભરી કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચનો કરાયા
જૂનાગઢ મનપા કમિશનર દ્વારા કડક વલણ અપનાવી કોન્ટ્રાક્ટર એલ.જી. ચૌધરીને પબ્લીક સેફ્ટીના યોગ્ય નિયમો ન જાળવવામાં આવતા રૂા. 1.25 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે ચોમાસાની ઋતુમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે બાંધકામ શાખા દ્વારા ટીમોની સંખ્યા વધારીને 28 કરવામાં આવી છે. તેમજ વધુ 5 ટીમોનો ઉમેરો કરીને કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કમિશનર પ્રભવ જોષીના અધ્યક્ષતામાં વર્ષાઋતુને ધ્યાને લઇ ઈજનેરો, કોન્ટ્રાકટરો સાથે રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિશ્નર દ્વારા ચોમાસાને લઈને અધિકારીઓને સઘન કામગીરી હાથ ધરવા સૂચનો કર્યા હતા.
મનપાના ઓફિસરની યાદી મુજબ, ચાલુ ચોમાસાની ઋતુમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે બાંધકામ શાખા દ્વારા ટીમોની સંખ્યા વધારીને 28 કરવામાં આવી છે. અને આવતીકાલથી વધુ 5 ટીમોનો ઉમેરો કરીને કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે. આ સાથે ભારે વરસાદના કારણે ભુગર્ભ ગટર, ટોરેન્ટ ગેસ અને પાણીની લાઇન માટે ખોદવામાં આવેલા રસ્તાઓમાં વ્યાપક નુકસાન થયું હતું. જેને ધ્યાને રાખીને મનપા દ્વારા તાત્કાલિક ધોરણે 18,297 મીટરની લંબાઇમાં કુલ 4,843 ઘનમીટર પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત આગામી સમયમાં પણ જરૂરી પેચવર્કની કામગીરી અવિરત ચાલુ રાખવા માટે વોર્ડ નં. 1 થી 15 માં વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરો તેમજ કોન્ટ્રાક્ટર એલ.જી. ચૌધરી અને મધુરમ ક્ધસ્ટ્રક્શન દ્વારા કુલ 1,007 ઘનમીટર મટીરીયલ્સનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીને વધુ ગતિ આપવા માટે વોર્ડ નં. 1 થી 15 માં હાલ 20-જે.સી.બી., 37-ટ્રેક્ટર તથા 93-મેન પાવર કાર્યરત રાખવામાં આવ્યા છે. તેમજ આવતી કાલથી વધુ 5 ટીમોનો ઉમેરો કરીને કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.
કોન્ટ્રાક્ટર એલ.જી. ચૌધરીને રૂ. 1.25 લાખનો દંડ
શહેરના શાંતેશ્વર રોડ પર સી.સી. રોડની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર એલ.જી. ચૌધરી દ્વારા કામ દરમિયાન પબ્લીક સેફ્ટીના યોગ્ય મેઝર્સ/નિયમો ન જાળવવામાં આવતા, મહાનગરપાલિકા તંત્ર દ્વારા કમિશનરના આદેશથી કડક વલણ અપનાવી રૂા. 1.25 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. સાથોસાથ જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસકાર્યોની સાથે નાગરિકોની સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેશે નહીં જણાવાયું છે.
