વંથલી તાલુકાના કણજડી ગામમાં અંદાજિત 1200 ફૂટ લાંબા પારાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પારાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી મધુવંતી નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને અંદાજિત 400થી વધુ વિઘા ખેતીજમીન જળબંબાકાર બનતાં ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મામલતદારનું કહેવું છે કે અગાઉના હુકમની અમલવારી કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ પારાના કારણે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહે છે, જેના કારણે પાક બળી જાય છે અને દર વર્ષે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. વર્ષ 2023થી મામલતદાર કચેરી, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થળ તપાસ અને સર્વે સિવાય કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી.
ખેડૂત ગલ વીશાલે જણાવ્યું હતું કે પારાના કારણે ખેતીજમીનમાં પાણીનો ભરાવો થતાં પાકને સતત નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. તેમણે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવ્યાનો આક્ષેપ કર્યો.
અન્ય ખેડૂત પૂછડિયા રામભાઈએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી 400થી 500 વિઘા વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. મોંઘા બિયારણ અને ખેતી ખર્ચ કર્યા બાદ પણ પાક પાણીમાં ડૂબી જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. તેમણે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પારાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી.ખેડૂત વિરમ સુવાએ જણાવ્યું કે વર્ષ 2023થી મામલતદાર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને ચુકાદો આવ્યા બાદ પણ અસરકારક અમલવારી થઈ નથી. તેમના જણાવ્યા મુજબ પારાના કારણે દર વર્ષે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને પાકને સતત નુકસાન થઈ રહ્યું છે. તેમણે તાત્કાલિક ધોરણે પારાનો નિકાલ કરવાની માંગ કરી.
આ સમગ્ર મામલે વંથલીના મામલતદાર એસ.બી. ખાંભલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ન અંગે કેસ નં. 13/2023 હેઠળ તત્કાલીન મામલતદાર દ્વારા હુકમ કરીને અમલવારી કરવામાં આવી છે. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા તાજેતરમાં સ્થળ તપાસ પણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
