પોલીસે સોનાનો ચેઈન-પાટલા મળી રૂા. 6.44 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગીર ગામમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ગત તા.23 મેં થી તા.25 મેં દરમ્યાન અજાણ્યા શખ્સો રાત્રીના સમયે ઘરમાં ઘૂસી લાકડાના કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં.આ અંગે જુબેદાબેન હાસમભાઈ પડાણીયા રે.ચિત્રાવડ ગીર વાળાએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ વાળા,ગોવિંદભાઈ મારૂ એ સોનાના દાગીના ની ચોરીમાં આજ ગામના એકલાં રહેતા વૃધ્ધાના ઘરમાંથી થોડાં દિવસ પહેલા ચોરી કરનાર શખ્સો સંડોવાયેલ હોવાની બાતમી મળતાં પોલીસે જુનાગઢ જેલમાં રહેલા સમીર ઈસુબ પરમાર ઉર્ફે.ટીની,અસ્લમ હનીફ બ્લોચ ઉર્ફે.અટુ રે.બંને ચિત્રાવડ ગીર વાળાનો જેલમાંથી કબજો મેળવી બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં ગામના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જુબેદાબેન પડાણીયા નાં ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ચેઈન,પાટલા-2 કુલ વજન 50.06 ગ્રામ મળી કુલ કિ.રૂ.6 લાખ 55 હજાર 786 નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.બંને તસ્કરો વિરુદ્ધ વધુ એક ચોરીનો ગુનો નોંધી પી.એસ.આઈ. પૂર્વાબેન ધનેશા એ વધુ તપાસ હાથ ધરી છે.
