જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત

કલેક્ટરે નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ
જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ આજરોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અને વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટર એ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે, આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે. અને કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક કરવા અનુરોધ
જૂનાગઢના ફોન નં. 0285-2633446, 0285-2633447, 0285-2633448 તેમજ ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત જિલ્લાના તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોના સંપર્ક નંબરો આ મુજબ છે: જૂનાગઢ – 0285-2636595, કેશોદ – 02871-236043, માંગરોળ – 02878-222009, મેંદરડા – 02872-241329, માળીયા હાટીના – 02870-222232, વંથલી – 02872-222046, વિસાવદર – 02873-222056, માણાવદર – 02874-221440 અને ભેસાણ – 02873-253426. જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમ માટે 0285-2620841, 0285-2630841 તથા મોબાઇલ નં. 8980015469 પર પણ સંપર્ક કરી શકાશે.

રિલેટેડ ન્યૂઝ